કર્ણાટક સરકારે હિજાબ પરનો પ્રતિબંધ હટાવ્યો : ધાર્મિક પ્રતિકોને મંજુરી આપી
શાળાઓમાં હવે હિજાબ, જનોઈ, શિવધારા, રૂદ્રાક્ષ જેવા પ્રતિકો પહેરવાની છુટ રહેશે : શાળાઓ ગણવેશના નિયમો ચાલુ રાખી શકશે
(એજન્સી) બેંગલુરુ તા.14
કર્ણાટક સરકારે વર્ષ 2022ના વિવાદાસ્પદ ‘યુનિફોર્મ ઓર્ડર‘ને પાછો ખેંચીને રાજ્યની શાળાઓ અને પ્રી-યુનિવસિર્ટી કોલેજોમાં હિજાબ અને જનોઈ જેવા ધામિર્ક પ્રતીકો ધારણ કરવાની મંજૂરી આપી છે. બુધવારે જાહેર કરાયેલા નવા સરકારી આદેશ મુજબ, હવે વિદ્યાર્થીઓ નિયત ગણવેશની સાથે મર્યાદિત પરંપરાગત અને ધામિર્ક પ્રતીકો પહેરી શકશે. આ નવા આદેશમાં હિજાબ (માથા પરનો સ્કાફ), જનોઈ, શિવધારા, રુદ્રાક્ષ અને શરાવષા જેવા પ્રતીકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શરત માત્ર એટલી છે કે આ પ્રતીકો શિસ્ત, સુરક્ષા અથવા વિદ્યાર્થીની ઓળખમાં અવરોધરૂપ ન બનવા જોઈએ. કર્ણાટક સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર આવા પ્રતીકો પહેરવાને કારણે કોઈ પણ વિદ્યાર્થીને શૈક્ષણિક સંસ્થા, વર્ગખંડ કે પરીક્ષાખંડમાં પ્રવેશતા રોકી શકાશે નહીં. આ ર્નિણય દ્વારા પાંચમી ફેબ્રુઆરી, 2022ના તે આદેશને રદ કરવામાં આવ્યો છે, જેના કારણે દેશભરમાં હિજાબ વિવાદ વકર્યો હતો. શાળાઓ પોતાના ગણવેશના નિયમો ચાલુ રાખી શકશે, પરંતુ વિદ્યાર્થીઓને ગણવેશની સાથે ‘પૂરક‘ તરીકે પરંપરાગત પ્રતીકો પહેરવાની છૂટ રહેશે. જોકે, આ પ્રતીકો ગણવેશના મૂળ હેતુને બદલી શકશે નહીં. કર્ણાટક સરકારે જણાવ્યું છે કે, કોઈપણ વિદ્યાર્થીને આવા પ્રતીકો પહેરવા માટે મજબૂર કરી શકાશે નહીં, તેમ જ તેમને પહેરતા રોકી પણ શકાશે નહીં.


