જૂનાગઢમાં રસ્તા બનાવવાની કામગીરીમાં લોટપાણીને લાકડા !
કૈલાશનગરમાં 6 માસ પહેલાજ બનાવવામાં આવેલા સિમેન્ટ રોડમાં તિરાડો પડી!
જૂનાગઢ તા.14
જૂનાગઢ શહેરમાં રસ્તાના કામોમાં લોટપાણીને લાકડા જેવા ઘાટ થયાની અનેક ફરીયાદો ઉઠી છે. આડેધડ રસ્તાનાં કામો તેમજ પાણીની પાઈપલાઈન, ભુગર્ભ ગટર લાઈન તેમજ અન્ય કામ માટે રસ્તા બની ગયા બાદ ફરી તોડવાની કામગીરી જયારે થતી હોય છે ત્યારે લોકો મનપાની મુર્ખતાભરી કામગીરીને લઈને ટીકા પણ કરતા રહયા છે. જૂનાગઢ શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં એવા બનાવો સામે આવ્યા છે કે, જયાં રસ્તો મોટા ઉપાડે બનાવી નાખવામાં આવે અથવા તો રસ્તાને પેચવર્ક કે રીપેરીંગ કરી નાખવામાં આવે ત્યારે જે તે વિસ્તારનાં રહેવાસીઓ ખુશ થાય કે હાશ. હવે તો નિરાંત થશે રસ્તાનું કામ તો પુરૂં થયું! પરંતુ આ ખુશી લાંબો સમય ટકતી નથી. કારણ કે રસ્તો બનાવ્યો હોય અને તેના થોડાજ દિવસમાં એજ રસ્તો ફરી પાછો તોડવામાં આવે અને ગટરની પાઈપલાઈન કે પાણીની પાઈપલાઈન નાખવી છે અથવા તો અન્ય કામગીરી સબબ તોડી નાખવામાં આવે અને રસ્તો તોડી નાખ્યા બાદ કામ પુરૂં કરી રસ્તો જેમ તેમ રાખી દેવામાં આવે છે જેના કારણે શહેરનાં મોટાભાગનાં રસ્તાઓમાં સતત ધુળની ડમ્મરીઓ ઉડયા રાખે છે. આવી ફરીયાદો તો સામાન્ય બની ગઈ છે. લોકો રસ્તાનાં કામોથી તોબા પોકારી ગયા છે. તેમજ કોર્પોરેશનની અણઆવડતને કારણે તો ભારે મુશ્કેલી વેઠી રહયા છે. જૂનાગઢ કોર્પોરેશનની રસ્તા આડેધડ તોડવાની કામગીરીની સર્વત્ર ટીકા થઈ રહી છે. ઉપરાંત રસ્તાનાં કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની પણ ફરીયાદ સતત રહેલી છે. દરમ્યાન જૂનાગઢ શહેરનાં કૈલાશનગર વિસ્તારમાં 6 માસ પહેલા બનાવવામાં આવેલો સિમેન્ટ રોડ તુટવા લાગ્યો હોવાની હકીકત સામે આવી છે. કૈલાશનગરમાં કરોડોનાં ખર્ચે સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો હતો અને 6 માસ જેટલો સમય થયો હશે ત્યાંજ સિમેન્ટ રોડમાં તિરાડો પડવા લાગી છે અને આ તિરાડોનાં કારણે આ સિમેન્ટ રોડ વધુ તુટતો જશે એવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં રસ્તાનાં નબળા કામોની તો વ્યાપક ફરીયાદો અવાર-નવાર ઉઠતી રહી છે પરંતુ તંત્ર આ બાબતે ધ્યાન કયારે આપે? તે મોટો સવાલ છે. જુના જમાનામાં ‘સચ્ચાઈનાં સમયમાં’ કોઈપણ કામગીરી કરવામાં આવતી તે પુરેપુરી ચોકસાઈ અને ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવામાં આવતી હતી. અને આજે પણ જૂનાગઢ શહેરમાં આવેલી ઈમારતો, બિલ્ડીંગો વર્ષો વિતવા છતાં હજુ એમને એમ ઉભા છે. આજનાં તકલાદી યુગમાં નબળી કામગીરીને કારણે પૈસાનું પાણી કરવા છતાં કોઈ હેતુ સરતો નથી તેવી ચર્ચાઓ શહેરીજનોમાં થઈ રહી છે. દરમ્યાન જૂનાગઢ શહેરમાં રસ્તાનાં કામો ટકાઉ, ગુણવત્તા યુકત અને સારી રીતે કરવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.
| મનપા તંત્રના વાંકે જૂનાગઢ વાસીઓની હાલત ‘રામભરોસે’! આગામી ચોમાસું નજીક આવી રહયું છે. ત્યારે જૂનાગઢમાં મોટાભાગનાં રસ્તાઓ ખોદી નાખેલા, તો કયાંક જેમ તેમ રીપેર કરેલા પડયા છે. વરસાદનાં સમયમાં રસ્તાઓમાં કાદવ, કીચડનું સતત પ્રમાણ રહેશે અને લપટણું પણ રહે, આવા રસ્તા ઉપરથી પસાર થવું એટલે પુરેપુરૂં જાેખમ રહે તે દેખીતી વાત છે. જૂનાગઢ શહેરનાં એક પણ રસ્તા એવા નથી કે જયાં ખોદકામ થયું ન હોય! ચોમાસું આવે તે પહેલા બીજા બધા ‘તાયફા’ કરવા કરતા રસ્તાનાં કામો ઝડપભેર પુરા કરી લેવા પડે પરંતુ તે મનપાનાં શાસકો, પદાધિકારીઓ અને અધિકારીઓને કોણ સમજાવે? માથે ચોમાસુ ગાજી રહયું છે ત્યારે ચોમાસા પહેલા જ જરૂરીયાતનાં કામો આટોપી લેવા જાેઈએ અને તે અંગેની કડક અમલવારી કરવાનાં બદલે પદાધિકારીઓ અન્ય કામોમાં વધુ લાગેલા રહે છે. નજીકનાં સમયમાં રસ્તા સહીતનાં કામો પુરા કરવામાં નહીં આવે તો જૂનાગઢની હાલત ખુબજ ખરાબ બનશે તેવો ભય વ્યકત થઈ રહયો છે. હાલ તો મનપા તંત્રનાં વાંકે જૂનાગઢ વાસીઓની હાલત ‘રામ ભરોસે’ જેવી થઈ છે. |


