ગીરનાર પર્વત પર આવેલ ગોરક્ષનાથની ટુંક ખાતેની પ્રતિમા તોડીને ફેંકી દેવાના બનાવના ઘેરા પ્રત્યાઘાતો

ગુરૂ ગોરક્ષનાથ ધર્મનું અપમાન કરવાના ઈરાદે મૂર્તિનો શિરોચ્છેદ કરી ખીણમાં ફેંકી દેનારા ૪ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ

ગીરનાર પર્વત પર આવેલ ગોરક્ષનાથની ટુંક ખાતેની પ્રતિમા તોડીને ફેંકી દેવાના બનાવના ઘેરા પ્રત્યાઘાતો

જૂનાગઢ તા. ૬
ભાવિકોની આસ્થાનાં કેન્દ્ર એવા ગીરનાર પર્વત ઉપર આવેલા ગોરક્ષનાથની ટુંક ખાતેની પ્રતિમા તોડી અને ખીણમાં ફેંકી દેવાનાં બનાવનાં પગલે ભારે રોષ ફાટી નીકળ્યો છે. સંતો તેમજ ભાવિકો અને અગ્રણીઓ દ્વારા આ જધન્ય કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી અને આવુ અધમ કૃત્ય આચનારાઓને તત્કાલ ઝડપી લઈ અને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. દરમ્યાન ગઈકાલે મૂર્તિ ખંડીત કરવાના બનેલા બનાવ અંગે ૪ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા ૧૦ શકમંદોની પુછપરછ હાથ ધરી અને આરોપી સુધી પહોંચવા ચક્રો ગતીમાન કરવામાં આવેલ છે. 
આ સમગ્ર ઘટના ક્રમ અંગે બહાર આવેલી વિગત અનુસાર ગીરનાર પર્વત ઉપર શ્રધ્ધાના કેન્દ્ર એવા ગોરક્ષનાથની ટુંક આવેલી છે. સાડા પાંચ હજાર પગથીયા ઉપર આવેલા ગુરૂ ગોરક્ષનાથ મંદિરમાં રવિવારની વહેલી સવારે સાડા ચારથી પાંચ દરમ્યાન ૩૦ થી ૪૦ વર્ષનાં ૪ અજાણ્યા શખ્સે પ્રવેશ કર્યો અને મંદિરનાં પુજારી સુતા હતા તે મંદિરનો દરવાજાે બહારથી બંધ કરી દીધો હતો અને મૂર્તિનો શીરોચ્છેદ કરી મૂર્તિ ઉખેડી નાંખી હતી. અને સારૂ એવુ નુકશાન કર્યુ હતું. દરમ્યાન આ બનાવ અંગેની જાણ થતાં જ સાધુ સંતો, અગ્રણીઓ, શ્રધ્ધાળુઓ અને સનાતનીઓમાં ભારે રોષની લાગણી પ્રગટી હતી. દરમ્યાન આ ઘટના અંગેની જાણ થતાં જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તથા પોલીસ અધિકારીઓનો કાફલો બનાવનાં સ્થળે પહોંચી ગયો હતો. અને જયાં તાત્કાલીક તપાસની કામગીરી હાથ ધરી હતી. સમગ્ર ઘટના અંગેનું નિરીક્ષણ કર્યુ હતું. અને આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આ બનાવની તપાસ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ જે.એમ. પટેલને સોંપવામાં આવી હતી. આ દરમ્યાન આરોપીઓને ઝડપી લેવા માટે ડીવાયએસપી રવિરાજસિંહ પરમારની આગેવાનીમાં લોકલ ક્રાઈમ બ્રાંચ ઉપરાંત સ્પેશ્યીલ ઓપરેશન ગૃપ, ભવનાથ પોલીસ સહીતની ટીમોએ ૧૦ જેટલા શકમંદોને ઉઠાવી અને પુછપરછ હાથ ધરી હતી. તેમજ ૧પ થી ૧૭ જગ્યાનાં સીસી ટીવી ફુટેજ ચેક કરવાની કામગીરી પણ હાથ ધરી હતી. દરમ્યાન ઉપરોકત બનાવના અનુસંધાને ગીરનાર ગુરૂ શિખર કમંડળ કુંડ રાણેશ્વર મહાદેવ અને ભુતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરી બાપુએ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી કે આ જે કૃત્ય થયું છે તે નિંદનીય કૃત્ય છે અને આવુ કૃત્ય કરવાની હિંમત થવી એ ગીરનારના સાધુઓ માટે હવે જાગી જવાની ચેતવણી છે. બધા સાધુ મહાત્માએ એક બની અવાજ ઉઠાવવો જાેઈએ. સનાતની હિન્દુઓએ આમા ચુપ બેસવું ન જાેઈએ તેમ જણાવ્યું હતું. વધુમાં ગોરક્ષનાથની ટુંક ઉપર જે ઘટના ઘટી હતી તે બાબતે ઉપલા દાતારની જગ્યાના મહંત શ્રી ભીમબાપુ દ્વારા આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને સનાતન ધર્મને બચાવવા સર્વે સમાજ અને સર્વે સાધુ સંતોએ એક થવાનો સમય હવે આવી ગયો છે. તેમજ સરકાર અને તંત્રએ તાત્કાલીક અસરથી પગલા લઈ અને આ કૃત્ય કરનાર સામે સખ્ત કાર્યવાહી કરવા જણાવ્યું હતું. દરમ્યાન વેરાવળ-સોમનાથ નીરાલી ખોડીયારના મહામંડલેશ્વર પૂ. બજરંગદાસ બાપુએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હજુ સરકાર આમા નહી જાગે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી વાત પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત સ્થાનીક સંતો એક બની અને મોટી લડત આપવાનો અનુરોધ પણ કર્યો હતો. ઉતારા મંડળનાં પ્રમુખ ભાવેશ વેકરીયાએ પણ પ્રતિક્રિયા વ્યકત કરતા જણાવ્યું હતું કે હિન્દુ મંદિરોને ટાર્ગેટ બનાવવામાં આવી રહયા છે. ગીરનારને સંપૂર્ણ સુરક્ષીત રાખવા માટેના પગલા જાે ભરવામાં નહીં આવે તો સાધુ સંતોની મીટીંગ બોલાવીને ભાવિ કાર્યક્રમ નકકી કરવામાં આવશે. ગીરનાર પર્વતનાં પપ૦૦ પગથીયા પર આવેલી ગોરક્ષનાથજીની ટુંક ખાતેનાં મંદિરમાંથી મૂર્તિને તોડી અને ખીણમાં ફેંકી દેવાના બનાવ અંગે રોષનો દાવાનળ પ્રગટેલો છે. દરમ્યાન ગઈકાલે આ બનાવના અનુસંધાને યોગી સોમનાથજી ગુરૂ રાજનાથજી (ઉ.વ. ૬૦ રહે. શ્રીનાથજીનો દલીચો, ગીરનાર રોડ, જૂનાગઢવાળા)એ આશરે ૩૦ થી ૪૦ વર્ષની ઉંમરના ૪ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામના આરોપીઓએ ફરીયાદીની ગીરનાર પર્વત ર આશરે છ હજાર પગથીયે આવેલ ગુરૂ ગોરક્ષનાથ મંદિરમાં પ્રવેશ કરી પુજારી સુતા હતા તે રૂમનો દરવાજાે બહારથી બંધ કરી મંદિરમાં રહેલ ફરીયાદીનાં ગુરૂ ગોરક્ષનાથ ધર્મનું અપમાન કરવાના ઈરાદે મૂર્તિનો શીરોચ્છેદ કરી મૂર્તિ ઉખાડી નાખી ખીણમાં ફેંકી દઈ મૂર્તિની આશરે કિંમત રૂા. પ૦ હજારની નુકશાની કરી તથા મૂર્તિની આજુબાજુમાં રહેલ કાચ તોડી નાખી કાચની કિંમત રૂા. ર૦ હજારની નુકશાની કરી કુલ રૂા. ૭૦ હજારની નુકશાની કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા અંગેની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ કે.એમ. પટેલ ચલાવી રહયા છે.