દલેર મહેંદી વિવાદ વચ્ચે સોના મોહાપાત્રાનો મોટો ખુલાસો: દિલ્હીના કાર્યક્રમનો કિસ્સો શેર કરી વ્યાવસાયિક જવાબદારી પર ઉઠાવ્યા સવાલો

દિલ્હીના સૂફી મહોત્સવમાં દલેર મહેંદી સૂર પકડવામાં પણ થાપ ખાઈ ગયા હોવાનો ગાયિકાનો દાવો; કહ્યું- ‘કલાકારનું સન્માન જરૂરી, પરંતુ દર્શકો પણ પ્રામાણિક પર્ફોર્મન્સના હકદાર છે’

દલેર મહેંદી વિવાદ વચ્ચે સોના મોહાપાત્રાનો મોટો ખુલાસો: દિલ્હીના કાર્યક્રમનો કિસ્સો શેર કરી વ્યાવસાયિક જવાબદારી પર ઉઠાવ્યા સવાલો

મુંબઈ, તા.૨૨
ઉત્તરાખંડના કાર્યક્રમમાં ગાયક દલેર મહેંદી સામે સર્જાયેલા વિવાદ વચ્ચે હવે બોલિવૂડની જાણીતી ગાયિકા સોના મોહાપાત્રાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે પર્ફોર્મિંગ આર્ટ્સમાં કલાકારોની વ્યાવસાયિક જવાબદારી અને દર્શકોના સન્માન અંગે મહત્વપૂર્ણ સવાલો ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને સોના મોહાપાત્રાએ ભૂતકાળમાં પોતાની સાથે બનેલી એક અંગત ઘટના વર્ણવી હતી.
સોના મોહાપાત્રાએ જણાવ્યું હતું કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીના સુંદર નર્સરી હેરિટેજ ફેસ્ટિવલ (સૂફી મહોત્સવ)માં પ્રથમ સાંજે તેમણે મુખ્ય કલાકાર તરીકે પર્ફોર્મ કર્યું હતું. જ્યારે દલેર મહેંદીને બીજા દિવસે, ૧ માર્ચે મહોત્સવના સમાપન કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
તેમણે લખ્યું કે, “ઉત્તરાખંડમાં દલેર મહેંદીજીના કાર્યક્રમને લઈને ચાલી રહેલા વિવાદને જોઈને મને મારી સાથે બનેલી એક અંગત ઘટના શેર કરવાની જરૂર લાગી રહી છે. કોઈ દિગ્ગજ કલાકારનું અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નથી, પરંતુ આ ઘટનાથી આપણા બધા સામે પર્ફોર્મિંગ આર્ટ્સને લગતો એક મોટો અને અસહજ સવાલ ઊભો થાય છે.”
ગાયિકાના જણાવ્યા મુજબ, તેઓ અને તેમની સમગ્ર ટીમ માત્ર દલેર મહેંદીનું પર્ફોર્મન્સ માણવા માટે એક રાત વધુ દિલ્હીમાં રોકાઈ હતી. સામાન્ય રીતે કલાકારો પોતાનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તરત નીકળી જતા હોય છે, પરંતુ આયોજકોની ઉદારતાથી તેઓ રોકાયા હતા કારણ કે તેમને એક દિગ્ગજ ગાયકના સૂફી અંદાજને લાઈવ જોવાનો ભારે ઉત્સાહ હતો.
જોકે, કાર્યક્રમ દરમિયાન પરિસ્થિતિ તદ્દન વિપરીત રહી હોવાનો સોનાએ દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું કે સ્ટેજ પર દલેરજી ખૂબ મૂંઝવણમાં હોય તેવું લાગતું હતું. તેઓ એક સૂર પકડવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા હતા અને એક જ ધૂન વારંવાર દોહરાવી રહ્યા હતા. આ સ્થિતિ જોઈને આયોજકો નિરાશ થઈ ગયા હતા અને ટિકિટના સારા એવા પૈસા ચૂકવીને મોટી અપેક્ષા સાથે આવેલા દર્શકો પણ ધીમે-ધીમે હોલમાંથી બહાર જવા લાગ્યા હતા.
સોના મોહાપાત્રાએ ઉમેર્યું કે તેમને આયોજકો માટે ખૂબ દુઃખ થયું હતું, જેમણે એક પ્રતિષ્ઠિત કલાકારને મંચ આપવા માટે પોતાનાં સાધનો, પ્રતિષ્ઠા અને અથાક મહેનત લગાવી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે તે સમયે દલેરજીની તબિયત કે અંગત પરિસ્થિતિ વિશે તેમને જાણ નહોતી, તેથી તેઓ કોઈ અનુમાન લગાવવા માગતા નથી. સાથે જ તેમણે એ પણ સ્વીકાર્યું કે કોઈ પણ કલાકારનું જાહેરમાં અપમાન કરવું તે ક્યારેય યોગ્ય ઉકેલ હોઈ શકે નહીં.
ઉત્તરાખંડ વિવાદ અંગે વાત કરતાં ગાયિકાએ ચિંતા વ્યક્ત કરી કે મોટાભાગની ચર્ચા માત્ર કલાકારના અપમાન પર જ કેન્દ્રિત રહી ગઈ છે, જ્યારે દર્શકોની અપેક્ષાઓ અને લાખોની વ્યાવસાયિક ફી લેનારા કલાકારોની જવાબદારી વિશે બહુ ઓછી વાત થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે એક કલાકાર પોતાના સન્માન અને યોગદાન માટે આદરનો હકદાર છે, પરંતુ સામે પક્ષે દર્શકો પણ એક પ્રામાણિક પર્ફોર્મન્સના એટલા જ હકદાર છે. જો કોઈ કલાકારની તબિયત ખરાબ હોય તો સહાનુભૂતિપૂર્વક અને જવાબદારી સાથે પરિસ્થિતિને સંભાળવાનો માર્ગ અપનાવવો જોઈએ.