વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવસિર્ટી, જૂનાગઢ ખાતે વિશ્વ હડકવા દિવસ નિમિત્તે નિ:શુલ્ક હડકવા વિરૂધ્ધ રસીકરણ, ડીર્વોમિંગ અને આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૯
વિશ્વ હડકવા દિવસ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે વેટરનરી ક્લિનિકલ કોમ્પ્લેક્સ, વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવસિર્ટી, જૂનાગઢ ખાતે નિ:શુલ્ક હડકવા વિરુધ્ધ રસીકરણ, નિ:શુલ્ક ડીર્વોમિંગ તથા આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન જૂનાગઢ મહાનગરપાલિકા તથા પશુપાલન શાખા, જીલ્લાપંચાયત જૂનાગઢના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ જયંતસિંહ રાઠોર, જિલ્લા વિકાસ અધિકારી, જૂનાગઢએ જણાવ્યું હતું કે, “રેબીઝ એક ગંભીર પરંતુ સંપૂર્ણપણે નિવારી શકાય તેવો રોગ છે. સમયસર રસીકરણ, જવાબદાર પાળતુ પ્રાણી પાલન અને જનજાગૃતિ દ્વારા હડકવાના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. આવા સંયુક્ત પ્રયાસો સમાજમાં પશુ તથા માનવ આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.” ડો. એમ.ડી. ઓડેદરા, આચાર્ય, વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવસિર્ટી, જૂનાગઢએ જણાવ્યું હતું કે, “પશુચિકિત્સા ક્ષેત્રનું મુખ્ય ધ્યેય માત્ર પશુઓની સારવાર પૂરતું સીમિત નથી, પરંતુ પશુ આરોગ્ય સાથે માનવ અને જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું પણ છે. હડકવા નિવારણ માટે રસીકરણ અને જનજાગૃતિ બંને અત્યંત જરૂરી છે.” કેમ્પનું આયોજન ડો. એસ.વી. માવદિયા, એન.એસ.એસ. કાર્યક્રમ અધિકારી તથા ડો. આર.એચ. ભટ્ટ, ડો. એ.એ. વાઘ, ડો. એસ.કે. ઝાલા, ડો. કે.બી. વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. રાહુલ વાણિયા, વેટરનરી ઓફિસર, જૂનાગઢ મહાનગરપાલિકા તથા ડો. સુરેશ દુધાત્રા, વેટરનરી ઓફિસર, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ડો. આર.એચ. ભટ્ટ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. તેમણે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ, પશુચિકિત્સકો, સ્ટાફ તથા પાળતુ પ્રાણીઓના માલિકોનું સ્વાગત કરી વિશ્વ હડકવા દિવસના મહત્વ અંગે સંક્ષિપ્તમાં માહિતી આપી હતી. કેમ્પ દરમ્યાન કુલ ૨૫૨ શ્વાન અને બિલાડીઓની નોંધણી કરી નિ:શુલ્ક હડકવા વિરૂધ્ધ રસીકરણ, ડીર્વોમિંગ તથા આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. પશુચિકિત્સકો દ્વારા પાળતુ પ્રાણીઓના માલિકોને હડકવા રોગની ગંભીરતા, રોગથી બચવાના ઉપાયો, સમયસર રસીકરણ તથા જવાબદાર પાળતુ પ્રાણી પાલન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હડકવા અંગે જનજાગૃતિ વધારવાના હેતુથી હડકવા નિવારણ માટેની માર્ગદશિર્કા ધરાવતી માહિતી પુસ્તિકાઓ/બ્રોશર પણ પાળતુ પ્રાણીઓના માલિકોને વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિ દ્વારા હડકવા રોગના નિવારણ, સમયસર રસીકરણ અને માનવ-પશુ આરોગ્યની સુરક્ષા અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો
હતો. કાર્યક્રમના અંતે ડો. એસ.વી. માવદિયા, NSS કાર્યક્રમ અધિકારી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. પ્રણવ અંજારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. વિશ્વ હડકવા દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલ આ કેમ્પ દ્વારા “Stronger Together”ના સંદેશને સાકાર કરાયો હતો.


