‘સૈયારા’ બાદ અહાન પાંડેની નવી ફિલ્મ ‘બેપરવાહ’ જાહેર, શર્વરી સાથે ફરી જામશે જોડી
અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં યશરાજ ફિલ્મ્સ બનાવશે રોમેન્ટિક ફિલ્મ; આદિત્ય ચોપડા કરશે નિર્માણ, આગામી વર્ષે 27 માર્ચે સિનેમાઘરોમાં થશે રિલીઝ
મુંબઈ, તા. 27
બોક્સ ઓફિસ પર પોતાની પહેલી ફિલ્મ ‘સૈયારા’થી ધમાકેદાર સફળતા મેળવનાર અભિનેતા અહાન પાંડેની નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. અહાન પાંડે અને શર્વરીની આગામી રોમેન્ટિક ફિલ્મનું નામ ‘બેપરવાહ’ રાખવામાં આવ્યું છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા પોસ્ટર મુજબ, આ ફિલ્મ આગામી વર્ષે 27 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ફિલ્મના મોશન પોસ્ટરમાં અહાન પાંડે અને શર્વરી એકબીજાના પ્રેમમાં ખોવાયેલા જોવા મળે છે. પોસ્ટરમાં અહાનનો એક ડાયલોગ પણ સંભળાય છે, જે ફિલ્મની રોમેન્ટિક સાથે એક્શનથી ભરપૂર લાગણીનો સંકેત આપે છે. ડાયલોગમાં અહાન કહે છે, ‘બેપરવાહ ઇશ્ક હૈ, ક્યા કરું? બેપરવાહ ઇંતહા હૈ, ક્યા કરું? દરમિયાન કોઈ ભી આએ તો સબ તબાહ-તબાહ કરું.’
યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું નિર્માણ આદિત્ય ચોપડા કરશે, જ્યારે દિગ્દર્શનની જવાબદારી અલી અબ્બાસ ઝફરને સોંપવામાં આવી છે. ઝફર અગાઉ યશરાજ ફિલ્મ્સ માટે ‘સુલતાન’ અને ‘ટાઇગર ઝિંદા હૈ’ જેવી ફિલ્મોનું નિર્દેશન કરી ચૂક્યા છે. હવે ‘બેપરવાહ’ના માધ્યમથી તેઓ ફરી યશરાજ ફિલ્મ્સ સાથે કામ કરશે.
બીજી તરફ, શર્વરીની યશરાજ ફિલ્મ્સ સાથેની અગાઉની ફિલ્મ ‘આલ્ફા’ સ્પાય થ્રિલર હોવા છતાં બોક્સ ઓફિસ પર સફળ રહી નહોતી. જોકે, ઇમ્તિયાઝ અલી સાથેની તેની ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’ સફળ રહી હતી.
અહાન પાંડેની વાત કરીએ તો તેણે યશરાજ ફિલ્મ્સ સાથે બે ફિલ્મો માટે કરાર કર્યો છે. તેમાં ‘બેપરવાહ’ તેની પ્રથમ ફિલ્મ છે. બીજી ફિલ્મમાં તે અનીત પડ્ડા અને દિગ્દર્શક મોહિત સુરી સાથે કામ કરશે.


