અક્ષય કુમારના ફેન્સ માટે ખુશખબર, ‘વેલકમ ટૂ ધ જંગલ’ હવે OTT પર સ્ટ્રીમિંગ
સિનેમાઘરોમાં ફિલ્મ ચૂકી ગયેલા દર્શકો હવે ઘરે બેઠા જોઈ શકશે અક્ષય કુમારની મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ
મુંબઈ તા.૨૧
અક્ષય કુમારના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અક્ષય કુમારની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘વેલકમ ટૂ ધ જંગલ’ હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. જે દર્શકો આ ફિલ્મને થિયેટરમાં જોઈ શક્યા નહોતા, તેઓ હવે ઘરે બેઠા આ કોમેડી એડવેન્ચર ફિલ્મનો આનંદ માણી શકશે.
‘વેલકમ ટૂ ધ જંગલ’નું OTT સ્ટ્રીમિંગ 21 ઓગસ્ટથી JioHotstar પર શરૂ થયું છે. પ્લેટફોર્મ દ્વારા પણ ફિલ્મની સ્ટ્રીમિંગ અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરવામાં આવી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત બોલિવૂડના અનેક જાણીતા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળે છે.
ફિલ્મે થિયેટરમાં પણ નોંધપાત્ર કમાણી કરી હતી. ઉપલબ્ધ રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે ભારતમાં આશરે રૂ.131 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું, જ્યારે ભારતનું ગ્રોસ કલેક્શન લગભગ રૂ,157 કરોડ રહ્યું હતું. ઓવરસીઝમાં ફિલ્મે આશરે રૂ.36 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હોવાનું જણાવાયું છે. આ સાથે ફિલ્મનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન લગભગ રૂ.193 કરોડ સુધી પહોંચ્યું હતું.
‘વેલકમ ટૂ ધ જંગલ’માં અક્ષય કુમાર ફરી એકવાર કોમેડી અંદાજમાં જોવા મળે છે. ફિલ્મમાં રાજપાલ યાદવ અને પરેશ રાવલ જેવા કલાકારોની કોમેડી પણ દર્શકોનું મનોરંજન કરે છે. આ ઉપરાંત ફિલ્મની સ્ટારકાસ્ટમાં સુનીલ શેટ્ટી, દિશા પટણી, જેકલીન ફર્નાન્ડિઝ, રવીના ટંડન, લારા દત્તા, અરશદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, આફતાબ શિવદાસાની અને જેકી શ્રોફ જેવા કલાકારો સામેલ છે.
ફિલ્મના મોટા સ્ટારકાસ્ટને કારણે તેની રિલીઝ પહેલાંથી જ દર્શકોમાં ચર્ચા હતી. ખાસ કરીને અક્ષય કુમારના કોમેડી અવતાર અને પરેશ રાવલના સંવાદોને લઈને ફિલ્મને લઈને ઉત્સુકતા જોવા મળી હતી. હવે OTT પર ફિલ્મ ઉપલબ્ધ થતાં થિયેટરમાં તેને ન જોઈ શકેલા દર્શકો માટે તેને જોવાનો વધુ એક મોકો મળ્યો છે.
‘વેલકમ ટૂ ધ જંગલ’નું દિગ્દર્શન અહમદ ખાને કર્યું છે. ફિલ્મને કોમેડી અને એડવેન્ચરના મિશ્રણ તરીકે રજૂ કરવામાં આવી છે. મલ્ટીસ્ટારર ફિલ્મો અને હળવા-ફુલકા મનોરંજન પસંદ કરતા દર્શકો માટે હવે આ ફિલ્મ OTT પર ઉપલબ્ધ છે.


