ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટી સર્જાવાની ભીતી

ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટી સર્જાવાની ભીતી

અમદાવાદ  તા.૨૬:
ગુજરાતમાં વીજળી કટોકટી ટાળ્યા બાદ હવે રાજ્ય સામે પાણીની ગંભીર અછતની સ્થિતિ ઊભી થઈ છે. નર્મદા સિસ્ટમ સિવાયનાં રાજ્યનાં કુલ ૨૦૬ જળાશયોમાંથી હાલ માત્ર ૨૦ જળાશયો જ સંપૂર્ણ ભરાયેલા છે.
આ બિન-નર્મદા જળાશયોમાંથી ૮૦ ટકા જળાશયોની પાણી ૨૫ ટકા કરતા પણ ઓછું છે. આ સ્થિતિના કારણે રાજ્યનાં ઘણાં વિસ્તારોમાં પાણીકાપ અથવા પાણીની તંગીનો ભય ઊભો થયો છે.
ગુજરાતના ૨૯ તાલુકાઓમાં મોસમી સરેરાશના ૫૦ ટકા કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. આ પાણીની અછતની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર, કચ્છ  અને ઉત્તર ગુજરાતનાં વિસ્તારો પર પડી રહી છે.
સૌરાષ્ટ્રનાં અનેક નાના જળાશયોમાં પાણીનો જથ્થો અત્યંત નીચી સપાટીએ પહોંચી ગયો છે. આ જળાશયોમાં પાણીનું સ્તર પુન: ભરવા માટે સત્તાવાળાઓ ટૂંક સમયમાં ‘સૌની યોજના‘ પર ર્નિભર બની શકે છે, જ્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા મોટા શહેરોને પણ વધારાના પાણીના જથ્થાની જરૂર પડી શકે છે.
શિયાળાની ઋતુ શરૂ થતાં જ રવિ પાકની મોસમ પણ શરૂ થઈ જાય છે. જેના કારણે ખેતી માટે સિંચાઈના પાણીની નવી માંગ ઊભી થાય છે. સરકારે એવા વિસ્તારોમાં પીવાના પાણીની જરૂરિયાતો અને ખેડૂતોની જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવવું પડશે જ્યાં સ્થાનિક ડેમ સૂકાઈ રહ્યાં છે.
આ કટોકટીને પહોંચી વળવા માટે કૃષિ વિભાગે ખેડૂતોને ઓછું પાણી માંગતા પાક વાવવાની સલાહ આપવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત, ઓક્ટોબર પૂરો થવા છતાં તાપમાન નીચું ન જવાથી શિયાળો ગરમ રહેવાની શક્યતા છે, જેના કારણે સામાન્ય રીતે ઉનાળામાં જોવા મળતી પાણીની ઉચ્ચ માંગ આ વખતે વહેલી શરૂ થઈ શકે છે.
રાજ્ય સરકાર માટે સૌથી મોટી રાહત નર્મદા ડેમ છે, જે હાલમાં તેની સંપૂર્ણ ક્ષમતા સાથે ભરાયેલો છે. નર્મદા પર ર્નિભર શહેરો અને ગામડાઓમાં તાત્કાલિક ધોરણે પાણીની અછત સર્જાવાની શક્યતા ઘણી ઓછી છે.
પરંતુ, રાજ્યભરના સૂકાઈ રહેલાં જળાશયો, તળાવો અને કેનાલોને ભરવા માટે નર્મદાનું પાણી છોડવા બાબતે સરકાર પર દબાણ વધી શકે છે. આ સ્થિતિમાં આગામી સમયમાં પાણીનું સંચાલન કરવું વહીવટી તંત્ર માટે મોટો પડકાર બનશે.