મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે બે દિવસીય “સ્ટાર્ટઅપ કોન્કલેવ- એક્ઝિબિશન-૨૦૨૫”નું સમાપન
મંત્રીશ્રીએ પ્રદર્શનની મુલાકાત કરી સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા વિવિધ ઉદ્યમીઓ-વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ
ગુજરાત સહિત દેશના યુવાનોને નવી દિશા તેમજ વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા આજની આ બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્કલેવ મહત્વની સાબિત થશે. દેશમાં વર્ષ ૨૦૧૪ પછી નવા ઉદ્યમીઓ માટે સ્ટાર્ટઅપ રૂપે નવી પહેલ શરૂ થઇ છે. આજની કોન્કલેવ એ પૂર્ણાહૂતી નથી પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં યુવાનો માટે સરકારની મદદથી કંઇક નવું કરવાની શરૂઆત છે તેમ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું.
મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય 'સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન-૨૦૨૫'નો આજે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો હતો.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે દેશભરમાંથી આ કોન્કલેવમાં યુનિકોન, રોકાણકારો, ઉદ્યોગપતિઓ અને ઉદ્યમીઓ સહભાગી થયા છે. જે વિદ્યાર્થીઓ ટેકનોલોજી- કોર-ઇમર્જીંગ બ્રાન્ચિસમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે નવી દિશા નવા દ્વાર ખૂલશે. ઉચ્ચ અભ્યાસ બાદ માત્ર રોજગારી જ નહી પણ ઇનોવેશન-નવા આઇડીયા થકી આજનો યુવાન બીજાને રોજગારી આપવા સક્ષમ બન્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આજના યુવાનો તેમની ટેલેન્ટ-નવા આઇડીયાને આધારે નવી ઉડાન ભરી નયા ભારતની દિશામાં આગળ વધી રહ્યાં છે. આજના યુવાનો આત્મનિર્ભર બનીને પોતાના દેશમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને વડાપ્રધાનશ્રીના વર્ષ ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મહત્વનું પ્રદાન આપી રહ્યા છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારત આજે જેટ નહી પણ સુપર જેટ વિમાન બનાવવાની તાકાત ધરાવે છે. તેમણે સ્ટાર્ટઅપના વિવધ ઉદાહરણ આપતા કહ્યું હતું કે આપણે સમસ્યાથી સમાધાન સુધીની દોડ લગાવીશું તો જ સફળ થઇશું. રાજ્ય સરકારે સ્ટાર્ટઅપના માધ્યમથી યુવાનોને યોગ્ય મંચ આપીને નોકરી લેનાર નહી પણ નોકરીદાતા બનાવ્યો છે. આજના AI ના યુગમાં અનેકક્ષેત્રે ખૂબ નવી ક્રાંતિ આવી છે. રાજ્ય સરકારે i-Hubના માધ્યમથી યુવાનોને નવા આઇડીયા મૂર્તિમંત કરવા શ્રેષ્ઠ મંચ ઉપલબ્ધ કરાવ્યુ છે.
ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર હંમેશાં સ્ટાર્ટઅપ્સને મજબૂત સહકાર આપવા પ્રતિબદ્ધ રહી છે. i-Hub ગુજરાતના યુવાનોના સાહસોને પ્રોત્સાહન આપવા માટે ખૂબ મહત્વનું પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે. યુવાનોના નવા ઈનોવેટીવ વિચારોને પ્રોત્સાહન મળે તે હેતુથી આગામી સમયમાં ગુજરાતમાં રીઝીયન વાઈઝ i-Hub બનાવવામાં આવશે. રિજીયન મુજબ i-Hub બનવાથી છેવાડાના નાના ગામના યુવાનોના નવા વિચારોને હકીકતમાં રૂપાંતરીત કરવા માટે તેમના ગામથી નજીકના સેન્ટર પરથી તમામ સગવડો ઉપલબ્ધ બનશે.

ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની દોડમાં યુવા સાહસિકોનો સહકાર ખુબ જ મહત્વનો સાબિત થશે. ટેક્નોસેવીના તેમના વિચારો ભારતને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા ઉપયોગી સાબિત થશે. આ પ્રસંગે યુવાનોની ઊર્જા, નવા વિચારો અને નવા સાહસોમાં રોકાણકારોને વધુ રોકાણ કરવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આવનારો સમય નવા વિચારો અને યુવા ટેલેન્ટનો છે તેમ જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું કે, વર્તમાન સમયની સમસ્યાઓનું સમાધાન લાવવા માટે તેમના ઈનોવેટીવ આઈડીયા ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ૨૧મી સદીમાં પૈસા, સોનું કે મિલકત ધરાવતા નહીં પરંતું નવા ઈનોવેટીવ આઈડીયા અને આઉટ ઓફ ધી બોક્સ વિચારો ધરાવતાં યુવાનો ધનવાન ગણાશે. તેમનામાં વિશ્વાસ રાખી ભરોસો કરી રોકાણ કરવાથી રોકાણકારોને વળતરની સાથે યુવાનોના સપનાઓને પણ પાંખો મળશે તેમ જણાવી મંત્રીશ્રીએ યુવાનોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી દિલીપ રાણાએ બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્ક્લેવ દરમિયાન યોજાયેલા સેશન અને ઇન્વેસ્ટમેન્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારના કોન્ક્લેવમાં ઊભરતા નવા ઇનોવેટીવ વિચારો અને નવ યુવાનોને મહત્વનું મંચ મળ્યું છે. આ બે દિવસ દરમિયાન કુલ ૧૮ હજારથી વધુ ઉદ્યમીઓ-વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. આ બે દિવસમાં વિવિધ ક્ષેત્રોમાં ૮૪ એમઓયુ થયા છે તથા નવા ઉદ્યમીઓને સ્ટાર્ટઅપમાં કુલ રૂ. ૨૩૨ કરોડનું રોકાણ પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત ૫૦૦થી વધુ રોકાણકારો સાથે બીટુબીનું આયોજન, ૨૦થી વધુ રાજ્યોના ૧૭૦ થી વધુ સ્ટાર્ટઅપ તેમજ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ૧૨૫ થી વધારે ઉદ્યોગપતિઓ સહભાગી થયા હતા.
ટેકનિકલ શિક્ષણ નિયામક શ્રી બી. એચ. તલાટીએ સ્વાગત કરતા જણાવ્યું હતું કે, આ બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં AI, IOT, ડીપટેક, ડિફેન્સ જેવા મુખ્ય ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ અને ઉદ્યમીઓએ વિચાર મંથન કર્યું હતું. અંદાજે ૨૫ થી ૩૨ વર્ષના યુવાનોએ રૂ. ૧,૦૦૦ કરોડનો બિઝનેસ સ્ટાર્ટઅપના માધ્યમથી કેવી રીતે ઉભો કર્યો તેમનામાંથી નવા સ્ટાર્ટઅપને પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીએ આ પ્રસંગે પ્રદર્શનની મુલાકાત લઇ સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા વિવિધ ઉદ્યમીઓ-વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેમના ઇનોવેશન અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે વિવિધ છ જેટલા સ્ટાર્ટઅપને અંદાજે રૂ. ૨૧ કરોડથી વધુના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રોક્સ કંપની દ્વારા ડિફેન્સ ક્ષેત્રે આર્મરી શિલ્ડ પ્રાઇવેટ લિમિટેડ સાથે રૂ. ૧૦ કરોડ, સી ફંડ કંપની દ્વારા દીપ ટેક ક્ષેત્રે કોન્સન્ટ એઆઈ સાથે રૂ. ૩.૧ કરોડ, GSF કંપની દ્વારા એચઆર ટેક અને સ્પેસ ટેક ક્ષેત્રે અનુક્રમે ઝેનસ્ટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે રૂ. ૪.૮ કરોડ અને વેલકીનરીમ ટેકનોલોજી સાથે રૂ. ૨.૫ કરોડના ચેકનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત ઈન્ડિકોર્ન એન્જલ્સ કંપની દ્વારા AI ક્ષેત્રે સેટ માય કાર્ટ સાથે રૂ. ૧ કરોડના અને આઈઆઈએમ કલકત્તા દ્વારા ક્લીન ટેકનોલોજી ક્ષેત્રે મલ્હારી પ્રોજેક્ટ સાથે રૂ. ૦.૫ કરોડના ચેકનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમના અંતે i-Hub ના સી.ઇ.ઓ. શ્રી હિરેન મહંતાએ આભાર વિધિ કરી હતી.
આ સમાપન કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર,ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ ,ઉદ્યોગકારો, રોકાણકારો, મોટી સંખ્યામાં યુવા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

કોન્ક્લેવની ફળશ્રુતિ :
બે દિવસ દરમિયાન કુલ ૧૮ હજારથી વધુ ઉદ્યમીઓ-વિદ્યાર્થીઓ સહભાગી
વિવિધ ક્ષેત્રોમાં ૮૪ એમઓયુ : નવા ઉદ્યમીઓને સ્ટાર્ટઅપમાં કુલ રૂ. ૨૩૨ કરોડનું રોકાણ પ્રાપ્ત થયું
૫૦૦થી વધુ રોકાણકારો સાથે બીટુબીનું આયોજન
૨૦થી વધુ રાજ્યોના ૧૭૦ થી વધુ સ્ટાર્ટઅપ સહભાગી
રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ૧૨૫ થી વધારે ઉદ્યોગપતિઓ સહભાગી


