જૂનાગઢમાં નકલી ઓળખ સાથે ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ
જૂનાગઢ તા.૧૬
જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પરદેશી નાગરિકોને શોધી કાઢવાની ખાસ ઝુંબેશ અંતર્ગત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં એક બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ છે. શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા શંકાસ્પદ લોકો અંગે મળી આવેલા ખાસ એક્શન પ્લાન અને માર્ગદર્શન હેઠળ પોલીસે જૂનાગઢના ચંદનપાર્ક વિસ્તારમાં આવેલી એક ગલીમાંથી આ શંકાસ્પદ યુવતીને પકડી પાડી છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને યુવતીની અટકાયત કરી હતી અને બાદમાં તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
યુવતીએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાની ઓળખ નેપાળની નાગરિક તરીકે આપી હતી. તેણીએ પોતાનું નામ મિથિલા અને મૂળ રહેવાસી કાઠમંડુ હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે શંકાના આધારે ઊંડાણપૂર્વક તપાસ અને વિગતવાર ખરાઈ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. યુવતી ખરેખર બાંગ્લાદેશના નારણગંજ જિલ્લાની મૂળ રહેવાસી છે અને તેનું સાચું નામ ખાલેદા હોવાનું બહાર આવ્યું હતું.
તપાસ દરમ્યાન વધુમાં ખુલાસો થયો છે કે આ યુવતીએ ભારત દેશમાં કાયદેસરના દસ્તાવેજો મેળવવા માટે સરનામામાં વારંવાર ફેરફારો કર્યા હતા. તેણીએ અગાઉ મહારાષ્ટ્રના નાલાસોપારાનું સરનામું દર્શાવ્યું હતું, ત્યારબાદ ગુજરાતના સુરત અને છેલ્લે જૂનાગઢનું સરનામું બદલાવીને સરકારી દસ્તાવેજ બનાવડાવ્યા હતા. તે અગાઉ મુંબઈમાં ડાન્સબારમાં કામ કરતી હતી તેમજ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં બ્યુટી પાર્લરમાં નોકરી કરી ચૂકી છે અને હાલમાં પણ છૂટક કામકાજ કરતી હતી. આ સમગ્ર મામલે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


