રાજકોટમાં શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં ચોથા નોરતે ‘ખોડલ રમવા આવો... કુમ કુમ પગલે પધારો... હૈયે હૈયું દળાય તેટલી જનમેદની વચ્ચે માં ખોડલની આરાધના
ખોડલ વહેલી વહેલી આવ..., ‘જા કાગવડ જા... ખોડલને વ્હાલો થા...,’ ‘જીણા મોર બોલે મારી ખોડલના રાજમાં....’ સહિતના ગીતો પર સિંગરોએ ખેલૈયાઓને ડોલાવ્યા
(પંકજ ઝીબા દ્વારા)
રાજકોટ તા.૧૬
રાજકોટ શહેરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ - કાગવડ દ્વારા અલગ અલગ ચાર ઝોનમાં જાજરમાન નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ચોથા નોરતે તારીખ ૧૪ ઓક્ટોબરને બુધવારના રોજ તમામ ઝોનમાં હૈયે હૈયું દળાય તેટલી જનમેદની ઉમટી પડી હતી. નોર્થ ઝોન, વેસ્ટ ઝોન, સાઉથ ઝોન અને ઈસ્ટ ઝોનના ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી શોભી ઉઠયું હતું. સુપ્રસિદ્ધ સિંગરોએ ‘ખોડલ રમવા આવો... કુમ કુમ પગલે પધારો... ખોડલ વહેલી વહેલી આવ...,’ ‘જા કાગવડ જા... ખોડલને વ્હાલો થા...,’ ‘જીણા મોર બોલે મારી ખોડલના રાજમાં....’ સહિતના ગીતો પર ખેલૈયાઓને મન મૂકીને ડોલાવ્યા હતા. સાથે જ ડાકલાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત દેશભક્તિના ગીતો પર પણ ખેલૈયાઓએ ગરબે રમીને મા ખોડલની આરાધના સાથે દેશભક્તિના રંગ દેખાડ્યા હતા.
શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં ચારેય ઝોનમાં ઉત્કૃષ્ટ ગરબા રમનાર અને આકર્ષક વેશભૂષામાં સજ્જ થઈને આવેલા ખેલૈયાઓને દરરોજ ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.


