9 ઓક્ટોબર, પોષણ દિવસ: શ્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 24 વર્ષો દરમિયાન ગુજરાતમાં પોષણનું સ્તર સુધારવા માટે અનેક યોજનાઓ અમલી
ગુજરાતની પોષણ પહેલોની મોટી અસર: છેલ્લા 7 વર્ષોમાં અંડરવેટ બાળકો 39.7%થી ઘટીને 17.2%, સ્ટંટિંગ 39%થી ઘટીને 30.9%, શારીરિક દુર્બળતા 25% થી ઘટીને 6.7% થઈ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જેને 24 વર્ષ પૂર્ણ થયા છે. તેમની જનસેવાના 24 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા માટે રાજ્યમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. વિકાસ સપ્તાહ અંતર્ગત 9 ઓક્ટોબરનો દિવસ પોષણ દિવસ તરીકે ઉજવવામાં આવશે. છેલ્લા 24 વર્ષો દરમિયાન ગુજરાતમાં પોષણનું સ્તર સુધારવા માટે અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.
રાજ્યમાં સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓ તેમજ તેમના બાળકોને પૂરતું પોષણ અને આહાર મળે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતા. આજે વડાપ્રધાન તરીકેના તેમના ‘સહી પોષણ, દેશ રોશન’ના મંત્રને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની પોષણ સંબંધિત પહેલોના સકારાત્મક પરિણામો હવે સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. પોષણની પહેલો અમલી કરવાને કારણે રાજ્યના બાળકોમાં ઓછું વજન, સ્ટંટિંગ (ઓછી હાઇટ) અને શારીરિક દુર્બળતા જેવા પડકારોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. છેલ્લા 7 વર્ષના આંકડાઓ પર નજર નાખીએ, તો ICDS એટલે કે, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ (સંકલિત બાળવિકાસ સેવાઓ) હેઠળ પોષણ માટે ગુજરાત સરકારના વ્યાપક અને સઘન પ્રયાસોના પરિણામે 2019માં ઓછા વજનવાળા બાળકોનું પ્રમાણ 39.7% હતું, જે 2025માં ઘટીને 17.2% થયું છે, સ્ટંટિંગ એટલે કે ઓછી હાઇટનું પ્રમાણ 39% થી ઘટીને 30.9% થયું છે તેમજ શારીરિક દુર્બળતા 25%થી ઘટીને 6.7% થઈ છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યની તમામ પોષણ સંબંધિત યોજનાઓનો લાભ લગભગ 45 લાખથી વધુ મહિલાઓ મેળવી રહી છે.
દરેક માતા, દરેક બાળક પોષિત: 5 લાખ લાભાર્થીઓ સુધી પહોંચવાનું ‘મુખ્યમંત્રી માતૃશક્તિ મિશન’
માતાઓ અને બાળકોના પોષણ તેમજ આરોગ્યને સશક્ત બનાવવા માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના સમગ્ર રાજ્યમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ યોજના હેઠળ ગર્ભધારણથી લઈ શિશુના જન્મ પછી શરૂઆતના બે વર્ષ સુધી મહિલાઓ અને તેમના બાળકોને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રાજ્યના 53,065 આંગણવાડી કેન્દ્રોમાં મહિલાઓને દર મહિને 1 લીટર મગફળીનું તેલ, 1 કિલોગ્રામ તુવેર દાળ તથા 2 કિલોગ્રામ ચણાની ન્યુટ્રિશન કિટનું વિતરણ કરવામાં આવે છે.
આ પહેલ થકી માતાઓ અને બાળકોના આરોગ્યમાં જ સુધારો નથી જોવા મળી રહ્યો, પણ તેમનો સમગ્રતયા વિકાસ પણ સુદૃઢ થયો છે. દર વર્ષે લગભગ 5 લાખ મહિલાઓ તેમજ બાળકોને આ યોજનાથી લાભાન્વિત કરવાનું મિશન છે, જે માતૃત્વ અને બાળપણના શરૂઆતના વર્ષોમાં શ્રેષ્ઠ પોષણ તથા આરોગ્ય સુનિશ્ચિત કરવા માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ટેક હોમ રાશન અને હૉટ કૂક્ડ મીલનો લાભ 28 લાખથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચ્યો
માતાઓ અને બાળકોના પોષણ તેમજ આરોગ્યને સુદૃઢ બનાવવા માટે ગુજરાતમાં 2017થી ટેક હોમ રાશન પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રો સુધી રાશન પહોંચાડવાનું કાર્ય ત્રણ મુખ્ય ડેરી કો-ઓપરેટિવ્સ તથા ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના માધ્યમથી કરવામાં આવે છે. આ પ્રોગ્રામ હેઠળ સગર્ભા તથા સ્તનપાન કરાવતી માતાઓને દર મહિને 1 કિલોગ્રામ રાશનના ચાર પૅકેટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બીજી બાજુ, છ મહિનાથી ત્રણ વર્ષ સુધીની વયના સામાન્ય બાળકોને બાળ શક્તિ આહારના સાત પૅકેટ તથા ગંભીર રીતે કુપોષિત બાળકોને દસ પૅકેટ આપવામાં આવે છે.
આ સાથે જ, 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં દરરોજ હૉટ કૂક્ડ મીલ એટલે કે ગરમ ભોજન પણ પૂરું પાડવામાં આવે છે, જેથી બાળકોનું પોષણ સ્તર સુદૃઢ થવાની સાથે તેમના પ્રારંભિક વિકાસમાં મદદ મળે છે. અત્યાર સુધી ટેક હોમ રાશન પ્રોગ્રામથી 16.5 લાખથી વધુ માતાઓ તથા બાળકોને લાભ મળ્યો છે, જ્યારે હૉટ કૂક્ડ મીલનો લાભ 11.6 લાખથી વધુ બાળકો સુધી પહોંચ્યો છે. આ રીતે, 28 લાખથી વધુ લાભાર્થીઓ આ બંને યોજનાઓ સાથે સંકલિત થયા છે.
પોષણ સુધા, દૂધ સંજીવની તથા પૂર્ણા યોજના: રાજ્ય સરકારની માતૃત્વ તથા બાળ આરોગ્ય સંબંધિત પહેલ
માતાઓ, બાળકો તથા કિશોરીઓના પોષણ અને આરોગ્યને સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે સતત મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. પોષણ સુધા યોજના રાજ્યની મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક છે, જેનો પ્રારંભ 2017-18માં 10 જિલ્લાઓથી થયો હતો અને હવે 14 આદિવાસી જિલ્લાઓના 106 તાલુકાઓમાં આ યોજના સક્રિય છે. આ યોજના હેઠળ દર મહિને લગભગ 1.2 લાખ મહિલાઓ સુધી વિશેષ ભોજન, આયર્ન તેમજ ફોલિક એસિડ, કૅલ્શિયમની ગોળીઓ અને આરોગ્ય પરામર્શ પહોંચાડવામાં આવે છે.
આ જ દિશામાં દૂધ સંજીવની યોજનાએ પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. તેના હેઠળ 6 મહીનાથી 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં અઠવાડિયામાં પાંચ દિવસ 100 મિલીલીટર ફોર્ટીફાઇડ દૂધ આપવામાં આવે છે. બીજી બાજુ, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને અઠવાડિયામાં બે વાર 200 મિલીલીટર પોષણયુક્ત દૂધ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ પહેલથી લગભગ 9.3 લાખ લાભાર્થીઓના પોષણ સ્તરમાં સુધારો થયો છે, જેનાથી માતાઓ તથા બાળકોનું આરોગ્ય સશક્ત થયું છે. આ જ રીતે, પૂર્ણા યોજના હેઠળ રાજ્યની 15થી 18 વર્ષની અંદાજે 10 લાખ કિશોરીઓને દર મહિને 1 કિલોગ્રામના ચાર પૅકેટ પોષણયુક્ત આહાર તથા દર અઠવાડિયે આયર્ન-ફોલિક એસિડ ટૅબલેટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ત્રણેય પહેલોનો ઉદ્દેશ કુપોષણ તેમજ એનીમિયાને ઘટાડવાની સાથે-સાથે બાળકો તથા કિશોરીઓને શારીરિક તેમજ માનસિક રીતે મજબૂત બનાવવાનો પણ છે.


