એક્સપાયરી ડેટ વાળા ખેતીના બિયારણ, ખાતર તેમજ દવા સહિતના મુદ્દામાલ સાથે રાવલ ગામના પિતા-પુત્ર ઝડપાયા

માહિતી વિનાની રાસાયણિક દવા તેમજ અનિયમિત ખાતરનો જથ્થો પણ કબજે : એસ.ઓ.જી. પોલીસે કુલ રૂા. 5.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

એક્સપાયરી ડેટ વાળા ખેતીના બિયારણ, ખાતર તેમજ દવા સહિતના મુદ્દામાલ સાથે રાવલ ગામના પિતા-પુત્ર ઝડપાયા

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા. 2
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં ખેડૂતો માટે વાવણી તેમજ અન્ય ખેતી કામની મોસમ આવનાર છે. ત્યારે આ પરિસ્થિતિમાં જિલ્લાના ખેડૂતોને ભેળસેળ વાળી અને ઓછી ગુણવત્તાવાળી એગ્રો દવાઓ વહેંચી અને છેતરપિંડી કરતા તથા જાહેર આરોગ્ય સાથે ચેડા કરતા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તેમજ પી.એસ.આઈ. ડી.એ. વાળાની ટીમ દ્વારા સધન કાર્યવાહી કરવામાં આવી હતી. આને અનુલક્ષીને એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા શનિવારે કરવામાં આવેલી કામગીરીમાં એસ.ઓ.જી. વિભાગના કર્મચારીઓ દ્વારા કલ્યાણપુર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. વિરેન્દ્રસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા અને પબુભાઈ માયાણીને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના રાવલ વિસ્તારમાં એક એગ્રોની દુકાનમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. આ બાબતે એસ.ઓ.જી. સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકામાં રાવલ ગામે અડવાણા-રાવલ રોડ પર રહેતા અને ગુરૂકૃપા કૃષિ કેન્દ્ર નામની ખેતપેદાશ અંગેની દુકાન ધરાવતા માલદે ઠેબાભાઈ આલાભાઈ ઓડેદરા ગામના 46 વર્ષના મેર યુવાનની દુકાનમાં એસ.ઓ.જી.ની ટીમ દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન આ દુકાનમાં અલગ અલગ કુલ 50 જેટલી દવાનો, ખાતર, બિયારણનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં જોતા આ દવા, બિયારણ, ખાતરની અવધી પૂર્ણ થઈ ગઈ હતી. જેથી પોલીસે કુલ રૂપિયા 3,89,450 ની કિંમતની અલગ અલગ 50 પ્રોડક્ટના નિયમાનુસાર નાશ કરવાની તજવીજ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ દુકાનમાં રહેલી કુલ રૂપિયા 1,28,250 ની કિંમતના ખાતરના જથ્થાના સ્ટોક બાબતે પોલીસે ખેતી અધિકારીને સાથે રાખીને સ્ટોક પત્રક તેમજ ખેડૂતોને વેચાણ કરેલા બિલની વિગત, ખાતરનો હાજર સ્ટોક, વેંચાણ કરેલ ખાતરના આંકડા, વિગેરેમાં તફાવત જણાતા અને દુકાનદાર દ્વારા સંતોષકારક જવાબ આપવામાં ન આવતા આ સ્થળે રહેલી કુલ રૂપિયા 1,28,250 ની કિંમતની ખાતરની 135 બોરીનો જથ્થો સ્થગિત રાખવા ખેતીવાડી અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત અહીં જંતુનાશક રાસાયણિક દવાઓમાં કોઈ પણ પ્રકારની માહિતી લખ્યા વગરની જુદી જુદી 32 બોટલો મળી આવી હતી. આ બોટલ પર કઈ દવા, કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, ટેકનિકલ નામ, શેના માટે ઉપયોગ કરવો, કયા પાકમાં ઉપયોગ કરવો, જેવી માહિતીના કોઈ સ્ટીકર લગાવ્યા ન હતા. જે અંગે હાજર દુકાનદાર માલદે ઓડેદરાને પુછતા પોતે આ દવા બાબતે કાંઈ જાણતા ન હોવાનું અને કઈ દવા છે તેનો પણ ખ્યાલ ન હોવાનું તેણે જણાવ્યું હતું. આથી પોલીસે રૂપિયા 11,620 ની આ જંતુનાશક દવાઓની બોટલો શક પડતી મિલકત તરીકે કબજે કરી હતી. આમ, દુકાનદાર માલદે ઠેબાભાઈ ઓડેદરા અને તેની સાથે દિનેશ માલદે ઓડેદરા (ઉ.વ. 24) દ્વારા એગ્રો પ્રોડક્ટમાં ભેળસેળ, પેકિંગમાં ફેરફાર, કરવા તેમજ અવધિ પૂર્ણ થઈ ગયા બાદ પણ દવાનું વેચાણ કરવા સબબ કુલ રૂા.5,29,320નો મુદ્દામાલ કબજે કરી, ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.