ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ - ૩ વર્ષનો રેકોર્ડ તુટયો

માર્ચના પ્રારંભે જ પારો ૪૦ ડીગ્રીને પાર : કચ્છ અને સૌરાષ્ટ્રનાં ૬ જીલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ - ૩ વર્ષનો રેકોર્ડ તુટયો

(બ્યુરો)          અમદાવાદ તા.૧૧
ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં માર્ચ મહિનાના શરૂઆતના ૧૦ દિવસમાં જ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચતા છેલ્લા ત્રણ વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. હવામાન વિભાગે આગામી ૧૬ માર્ચ સુધી રાજ્યમાં આકરી ગરમી અને હીટવેવની આગાહી કરતા મોરબી, રાજકોટ અને કચ્છ સહિત ૬ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ‘ જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિત ૧૨ જિલ્લામાં ‘યલો એલર્ટ‘ જાહેર કર્યું છે.
હીટ ડોમ ઇફેક્ટ અને ઉત્તર-પશ્ચિમના ગરમ સૂકા પવનોને કારણે અમદાવાદમાં પારો ૪૧ ડિગ્રીને વટાવી ગયો છે, ત્યારે હવામાન નિષ્ણાતોના મતે આગામી ૪ દિવસમાં તાપમાન ૪૩ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હોવાથી નાગરિકોને બપોરના સમયે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસના જણાવ્યા અનુસાર ૧૬ માર્ચ સુધી રાજ્યમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે આજે એટલે કે, ૧૧ માર્ચ માટે કેટલાક જિલ્લાઓમાં સિવિયર હીટવેવને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં હીટવેવ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જુનાગઢ જામનગર વડોદરા અને સુરતમાં હીટવેવને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.