જૂનાગઢની પ્રાચીન વણઝારી ચોક ગરબી મંડળની બાળાઓના સળગતી ઈંઢોણી અને ભુવા રાસની રમઝટ
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૭
જૂનાગઢ શહેરમાં નવરાત્રિ મહાપર્વની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રાચીન અને પરંપરાગત ઓળખ સમાન વણઝારી ચોક ગરબી મંડળ ખાતે સળગતી ઈંઢોણી અને ભુવા રાસની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી. વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતી વણઝારી ચોકની આ પ્રાચીન ગરબીમાં ધામિર્ક આસ્થા, લોકસંસ્કૃતિ અને પરંપરાગત ગરબાની આગવી ઓળખ જોવા મળી હતી. છઠ્ઠા નોરતે યોજાયેલી આ વિશિષ્ટ રજૂઆતને નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા.
જૂનાગઢનાં વણઝારી ચોક ગરબી મંડળની બાળાઓએ છઠ્ઠા નોરતે સળગતી ઈંઢોણી રાસની અનોખી રજૂઆત અને ભુવા રાસની રમઝટે ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પરંપરાગત લોકકળાની આગવી શૈલીમાં રજૂ થયેલા આ રાસમાં ખેલૈયાઓનો ઉત્સાહ અને શ્રદ્ધાભાવ જોવા મળ્યો હતો. જૂનાગઢની પ્રાચીન વણઝારી ચોક ગરબીમાં છઠ્ઠા નોરતે યોજાયેલી સળગતી ઈંઢોણી અને ભુવા રાસની રજૂઆતે ફરી એકવાર સાબિત કર્યું હતું કે પરંપરાગત લોકકલા પ્રત્યે લોકોનો લગાવ આજે પણ અકબંધ છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ આ ભવ્ય રજૂઆત નિહાળી નવરાત્રિના પર્વનો આનંદ માણ્યો હતો. ભક્તિ, શક્તિ, શ્રદ્ધા અને લોકસંસ્કૃતિના સંગમ સમાન આ કાર્યક્રમ વણઝારી ચોકની ગરબીના છઠ્ઠા નોરતાનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો.


