જૂનાગઢને પીવાનું પાણી પુરૂં પાડતા આણંદપુર ડેમમાં ફેબ્રુઆરી સુધી ચાલે તેટલો જ પાણીનો સંગ્રહ
જૂનાગઢ તા. ૧૭
જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂં પાડતા આણંદપુર ડેમમાં ફેબ્રુઆરી સુધી જ ચાલે તેટલો પાણીનો સંગ્રહ હોવાનું જાણવા મળેલ છે. પાણીની ઘટ આવતા જ જૂનાગઢ શહેર માટે પાણીની ગંભીર કટોકટી સર્જાવાની ભીતી દર્શાવવામાં આવી રહી છે. જાે સમયસર પાણી પ્રશ્ને આયોજન કરવામાં નહીં આવે તો પરિસ્થિતી ખુબજ ગંભીર બને તેમ છે.
જૂનાગઢ શહેર-જીલ્લામાં આ વર્ષે અપુરતો વરસાદ થવાનાં કારણે પાણીનો સંગ્રહ પુરતો થયો નથી. આ વર્ષે પાણીની ઘટ ૩પ ટકા જેવી છે. જેના કારણે જૂનાગઢ જીલ્લાનાં ૧૭ પૈકીના મોટાભાગના ડેમોની પાણીની સ્થિતી ખરાબ છે. અને ડેમો તળીયા ઝાટક થવાનાં કારણે જળસ્ત્રોત જળવાયા નથી. અને જેના કારણે શહેર અને જીલ્લામાં પાણીનાં સ્તર જમીનમાં ખુબજ નીચે જઈ રહયા છે. જેના કારણે કુવા, બોરમાં પણ પાણીની નીકો નીચે જતી રહી છે અને પાણી ડુકી રહયા છે. જૂનાગઢ શહેરમાં અંદાજીત પાંચ લાખની વસ્તી છે. શહેરને પીવાનું પાણી પુરૂં પાડવા માટે આણંદપુર ડેમ અને હસ્નાપુર ડેમમાંથી પાણી લેવામાં આવે છે. વરસાદ અપુરતો થતા હસ્નાપુર ડેમમાં ધીમે ધીમે પાણી ઓછું થતા હવે જૂનાગઢ શહેરને પાણી માટે આણંદપુર ડેમ જ આધાર છે.
દરમ્યાન આણંદપુર ડેમમાં પણ પાણી ઘટતું જશે અને હાલ ફેબ્રુઆરી સુધી જ ચાલે તેટલો પાણીનો જથ્થો છે. જેથી આગામી ફેબ્રુઆરી માસ બાદ જૂનાગઢમાં પાણીનું સંકટ સર્જાશે અને પાણીની ભયંકર કટોકટી ઉભી થવાની શકયતા રહેલી છે. ત્યારે આ અંગે વહેલાસર પગલા લેવાની માંગ છે. દરમ્યાન ગુરૂવારે મળેલ મનપાના જનરલ બોર્ડમાં પાણીની વિકટ પરિસ્થિતીને લઈ વિપક્ષનાં નેતા લલીતભાઈ પણસારા, મંજુલાબેન પણસારા અને કોર્પોરેટરોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ તકે ભાજપનાં ઝાંઝરડા વિસ્તારનાં નગરસેવક જયેશભાઈ બોઘરાએ સાથે આપ્યો હતો. ત્યારબાદ તમામ ૬૦ કોર્પોરેટરો પાણી પ્રશ્ને એક થયા હતા અને આગામી સમયમાં કમીટી બનાવવામાં આવે તેવું નકકી થયું હતું. દરમ્યાન પાણીની સર્જાનારી કટોકટી પહેલા જ વહેલી તકે અસરકારક પગલા તેમજ તંગી વખતે શહેરની જનતાને પાણી પુરૂં કઈ રીતે પાડવું? તે તમામ બાબત અંગે આગોતરૂ આયોજન કરવું જ પડે તેમ છે. ત્યારે પાણીના પ્રશ્ને વહેલી તકે કામગીરી કરવા તેમજ લોકોને કટોકટીનાં સમયે પણ પાણી માટે અગવડતા ન પડે તેવું આયોજન કરવા અને જયાં પણ સહયોગની જરૂર પડશે ત્યાં શાસકોને અમો વિપક્ષ સંપુર્ણ સહકાર આપશું તેવી ખાત્રી પણ વિરોધ પક્ષના નેતા લલીતભાઈ પણસારાએ આપી છે.
રસ્તા અને ખાડા સહન કર્યા, હવે પાણીની તંગી સહન નહીં કરીએ : જનઆક્રોશ
જૂનાગઢ શહેરમાં દીવાળીનાં તહેવારો બાદ ધીમે ધીમે પાણીની કટોકટી સર્જાવાની શરૂ થશે અને એક તકે આ કટોકટી વધુ ગંભીર બનશે તેવો ભય દર્શાવવામાં આવી રહયો છે. પાણી પ્રશ્ને સ્થિતી હાથમાંથી નીકળી જાય તે પહેલા આયોજનબધ્ધ પ્લાનીંગ કરવાની તૈયારી શરૂ કરી દીયો નહીંતર પાણીના પ્રશ્ને લોકોનો ભારે રોષ ફાટી નીકળશે તેવી ચર્ચાઓ આમ જનતામાં ઉઠવા પામી છે.
જૂનાગઢ શહેરની જનતા ઘણા લાંબા સમય થયા રસ્તા અને ખાડાના પ્રશ્ને સહન કરતી આવી છે. પરંતુ રસ્તા અને ખાડાનો માર નગરજનોએ સહન કર્યો છે પરંતુ હવે પાણીની તંગી સહન નહીં કરે. લોકોનો રોષ ફાટી નીકળે તે પહેલા પાણી માટે આગવી વ્યવસ્થા કરવામાં આવે તેવી લાગણી નગરજનોમાં પ્રવર્તી રહી છે.


