દ્વારકાની 11 ખાદ્ય પેઢીઓમાં કૂડ સેફટી તંત્રની તપાસ
21 કિલો તેલ સહિત વાસી સામગ્રીનો સ્થળ પર નાશ કરાયો
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.23
જામનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દ્વારકા શહેરમાં ખાદ્ય પેઢીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. નાગરિકો અને યાત્રિકોને સ્વચ્છ તથા ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે હેતુથી આ કાર્યવાહી કરાઈ હતી. ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ (FSW) મારફતે કુલ 11 ખાદ્ય પેઢીઓના રસોડા અને ખાદ્ય સામગ્રીની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન, ખાદ્ય પેઢીઓમાં રસોઈ માટે વપરાતા તેલની ગુણવત્તા ચકાસવા માટે નવ TPC (TOal Polar Compounds) ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ચકાસણીમાં અયોગ્ય જણાયેલું અંદાજે 21 કિલો તેલ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત, નિરીક્ષણ દરમ્યાન મળી આવેલી અન્ય વાસી ખાદ્ય સામગ્રીનો પણ નાશ કરાવી તેનો ઉપયોગ અટકાવવામાં આવ્યો હતો. અધિકારીઓએ TPC મીટરની મદદથી રસોઈના તેલનો વારંવાર ઉપયોગ થાય છે કે કેમ અને તેની ગુણવત્તા જળવાઈ છે કે નહીં તેની સ્થળ પર તપાસ કરી હતી. તેમણે રસોડાની સ્વચ્છતા અને ઉપયોગમાં લેવાતી ખાદ્ય સામગ્રીનું પણ નિરીક્ષણ કર્યું હતું. દ્વારકા એક ધાર્મિક અને પ્રવાસન નગરી હોવાથી, સ્થાનિક નાગરિકો ઉપરાંત મોટી સંખ્યામાં યાત્રિકો ભોજન અને નાસ્તા માટે ખાદ્ય પેઢીઓ પર ર્નિભર રહે છે. લોકોના જાહેર આરોગ્ય અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તા જાળવવા માટે આવી નિયમિત તપાસ અત્યંત મહત્વપૂર્ણ છે.


