વેરાવળમાં મહેંદી શીખવા જતી સગીરાને ઈન્સ્ટાગ્રામ થકી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચાર્યુ
સીટી પોલીસે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસથી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો
(રાકેશ પરડવા દ્વારા )
વેરાવળ, તા. ૪
વેરાવળમાંથી દીકરીઓને સાવચેત કરતો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઈન્સ્ટાગ્રામ થકી પરીચય કેળવી પ્રેમજાળમાં ફસાવી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી યુવકને સીટી પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે આરોપી સામે ગંભીર પોકસો વિથ રેપનો ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવતી ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતોનુસાર સગીર વયની પીડિતા ઓનલાઈન મહેંદી શીખવા માટે સર્ચ કરતી હતી તે દરમ્યાન સોશિયલ મિડીયા સાઈટ ઈન્સ્ટાગ્રામ થકી વેરાવળની જ એક સગીરા સાથે તેની મિત્રતા થઈ હતી. ત્યારબાદ પીડિતા મહેંદી શીખવા માટે તેના ઘરે જતી હતી. ત્યારે મહેંદી શીખવાડતી સગીરાનો ભાઈ મહમદ સીરાજ ઈમરાન ચૌહાણ (ઉ.વ.૧૯), સગીરાને અગાઉથી ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને મિત્રતા કેળવી હતી. લગભગ પંદરેક દિવસ અગાઉ પીડિતા જ્યારે મહેંદી શીખવા તેના ઘરે ગયેલ ત્યારે આરોપીએ એકાંતનો લાભ લઈને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી ગંભીર ગુનો આચર્યો હતો.
આ ઘટના લાંબા સમય સુધી બહાર આવી નહોતી પરંતુ પીડિતાના પરિવારજનોને આરોપી સાથેનો ફોટો જાેવા મળતા શંકા ઉભી થઈ હતી. માતાએ પૂછપરછ કરતાં પીડિતાએ પોતાની સાથે બનેલી આ ગંભીર ઘટના વિશે જણાવ્યુ હતુ. ત્યારબાદ પીડિતાની માતાએ ફરીયાદ કરતા સીટી પોલીસે વેરાવળ સિટી પોલીસે બીએનએસની કલમ ૬૪(૧) તેમજ પોકસોની કલમ ૩(એ) અને ૪ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેના પગલે પોલીસ તંત્ર હરકતમાં આવીને જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સીટી પીઆઈ જે.એન. ગઢવીની આગેવાનીમાં વિશેષ ટીમની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી આરોપીની હિલચાલ ટ્રેસ કરીને ગણતરીના સમયમાં જ આરોપી મહમદ સીરાજને ઝડપી લીધો હતો. આ બનાવે સમાજમાં ચિંતા અને આક્રોશ ઊભો કર્યો છે, ખાસ કરીને સગીર બાળકોની સુરક્ષા મુદ્દે. સાથે સાથે, ગીર સોમનાથ પોલીસની ઝડપી કામગીરીને કારણે લોકોમાં વિશ્વાસ મજબૂત થયો છે કે આવા ગંભીર ગુનાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.


