દ્વારકા આવેલા દર્શનાર્થીને ઠંડાપીણામાં ધતુરાનો પાવડર ભેળવીને મૂછિર્ત કર્યા બાદ લૂંટ ચલાવતી બેલડી ઝડપાઈ
એલસીબી પોલીસે ભાવનગરના બે શખ્સોને દબોચી લીધા
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧૭
દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે ફૂલડોલ ઉત્સવમાં દર્શનાર્થે આવેલા બે વ્યક્તિઓને ઠંડુ પીણું પીવડાવીને મૂછિર્ત કર્યા બાદ સોનાના ઠોરીયા તેમજ રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે કાર્યવાહી કરી અને ભાવનગર વિસ્તારમાં રહેતા બે દેવીપુજક શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સો સામે અગાઉ પણ પોલીસમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકામાં જામજોધપુર પંથકના રહીશ એવા કેટલાક પરિવારજનો હોળી-ધુળેટીના દિવસોમાં દર્શન માટે આવ્યા હતા. ત્યારે આ પૈકીના બે વ્યક્તિઓને દૂર લઈ જઈ અને તેમને શેરડીના રસમાં ધતુરાનો પાઉડર ભેળવીને બેભાન કર્યા બાદ આ બંને વ્યક્તિઓએ પહેરેલા સોનાના ઠોરીયા તેમજ રોકડ રકમની લૂંટ કરવામાં આવતા આ અંગે દ્વારકા પોલીસે ગુનો નોંધી વિવિધ દિશાઓમાં તપાસ આરંભી હતી. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભી હતી. આ કામગીરી દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા અને લાખાભાઈ પિંડારિયા સાથે મુકેશભાઈ કેસરિયાને ટેકનિકલ એનાલિસિસ બાદ મળેલી બાતમીના આધારે ખંભાળિયા નજીકના પોરબંદર હાઈવે માર્ગ પર રેલવે ફાટક નજીકથી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રહીશ કાળુ અમરસી વાઘેલા (દેવીપુજક) અને ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના માયધર ગામના હરેશ ઉર્ફે હકલો બાબુ માતાચોળીયા (દેવીપુજક) નામના બે શખ્સોને ઝડપી લઇ, જુદા જુદા સ્થળેથી ચોરી કરેલા રૂપિયા ૩,૦૫,૦૦૦ ની કિંમતના છ નંગ ઠોરીયા, રૂા. ૬,૦૦૦ ની કિંમતના બે મોબાઈલ ફોન અને રૂા. ૩,૦૦૦ ની રોકડ રકમ મળી કુલ રૂા. ૩,૧૪,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ પછી વધુ તપાસ અર્થે આરોપીઓનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે. આરોપીઓ દ્વારા જુદા જુદા ધામિર્ક સ્થળે આવતા વયોવૃધ્ધ લોકોને પોતાની મીઠી મીઠી વાતોમાં ભેળવી અને એકાંત સ્થળે લઈ જઈ અને ઠંડા પીણા કે શેરડીના રસમાં છુપી રીતે ધતુરાનો પાવડર ભેળવી અને તેઓને બેભાન કરી, તેઓએ પહેરેલા દાગીના તથા રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવતી હોવાની મોડેસ ઓપરેન્ડીથી આવી પ્રવૃત્તિ કરતા હોવાનું ખુલવા પામ્યું છે.
ત્યારે કોઈપણ અજાણ્યા માણસોની વાતોમાં ભોળવાઈ નહીં જઈ અને ખાવા-પીવાની કોઈ પણ વસ્તુ ન લેવા તેમજ જો કોઈ જબરજસ્તી કરે તો આજુબાજુના માણસોને બૂમો પાડી બોલાવી, તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જિલ્લા પોલીસની એક યાદીમાં જણાવાયું છે.


