ઉનામાં સગીરાનો પીછો કરી ઇન્સ્ટાગ્રામ પર વાત કરવા દબાણ કરી ઘરમાં ઘૂસી સગીરાનો હાથ પકડ્યો
પરિવારને છરી બતાવી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.૧ર
ઉના શહેરમાં રહેતી એક સગીર વયની દીકરીની માતાએ ઉના શહેરમાં રહેતા અને અગાઉ ગુજસીટોક ગુનામાં જેલમાં ગયેલ અને જામીન ઉપર છૂટેલ સુજલ રવિભાઈ બામભણીયા રે.ઉના અને તેની સાથે રમેશ પરમાર રે.ઉના સામે એવા પ્રકારની ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી સૂઝલ રવિભાઈ બામભણીયા ગત તા.૧૦-૮-૨૬થી ફરિયાદી મહિલાની સગીર વયની દીકરીને સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં વાત કરવા દબાણ કરતો હતો. સગીરાએ વાત કરવાની ના પાડતા સગીરા ગામમાં જતી ત્યારે તેની પાછળ પીછો કરતો વાત કરવા દબાણ કરતો હતો. ગત તા.૧૦-૧૦-૨૬ના રોજ આરોપી સૂઝલ બામભણીયા અને તેમનો મિત્ર રમેશ પરમાર રે. ઉના વાળો ફોર વ્હીલમાં આવી ફરિયાદી મહિલાના ઘર પાસે મોટર ઉભી રાખી હોર્ન મારેલ અને આરોપી સૂઝલ મોટરમાંથી ઉતરી પોતે સગીરા અનુસૂચિત જાતિના હોવાનું જાણવા છતાં ગાળો બોલી જાતિ પ્રત્યે અપમાનિત કરી ઘરમાં પ્રવેશ કરી સગીરાનો હાથ પકડી કહેલ કે તું મારી સાથે કેમ ઇન્સ્ટાગ્રામમાં કેમ વાત કરતી નથી અને તારી માં વાત કરવા દેતી નથી તેમ કહેલ અને સગીરાની માતાએ સગીરાનો હાથ છોડાવતા સુઝલે તેમની પાસે રહેલ છરી બતાવી તમને બધાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી બન્ને આરોપી ત્યાંથી ફોરવ્હીલમાં નાસી ગયા હતા. સગીરાની માતા પોલીસ સ્ટેશન આવી બે આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ, પોક્સો અને એટ્રોસિટી ફરિયાદમાં આરોપી સુજલ રવીભાઈ બાંભણિયા અને રમેશ પરમાર રે.ઉના સામે બીએનએસની કલમ ૭૮(૨), ૩૫૧(૩) અને પોક્સો અધિનિયમની કલમ ૧૨, ૧૭ અને ૧૮, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની કલમ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ ઉનાના નાયબ પોલીસ અધિક્ષક મહાદેવભાઈ ફુલજીભાઈ ચૌધરી કરી રહ્યા છે.


