પ્રજ્ઞાચક્ષુ દીકરીઓના રાસ-ગરબાથી ગુંજી ઊઠ્યું વાઘેશ્વરી માતાનું મંદિર
‘વેલકમ નવરાત્રી’ કાર્યક્રમમાં ભક્તિ, શક્તિ અને સામાજિક એકતાનો અનોખો સંગમ; પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની અદ્ભુત પ્રસ્તુતિએ સૌનાં હૃદય જીત્યાં
જૂનાગઢ, તા.૧ર
નવરાત્રી એટલે શક્તિની આરાધના, ભક્તિનો ઉત્સવ અને આનંદનો મહાપર્વ. આ પવિત્ર પર્વના આગમનને વધાવવા જૂનાગઢના વાઘેશ્વરી માતાના મંદિર ખાતે પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય તથા સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે ‘વેલકમ નવરાત્રી’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ પોતાની અદ્ભુત કલાત્મક પ્રતિભા, અખૂટ આત્મવિશ્વાસ અને માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દ્વારા નવરાત્રીનું ભાવભીનું આગોતરું આહ્વાન કર્યું હતું.
વાઘેશ્વરી માતાના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ ઉત્સાહભેર રાસ-ગરબાની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. દીકરીઓના તાલબદ્ધ પગલાં, ચહેરા પર છલકાતો આનંદ અને માતાજી પ્રત્યેની ભક્તિએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આંખોની દૃષ્ટિ મર્યાદિત હોવા છતાં મનમાં રહેલી શ્રદ્ધા, હૃદયમાં વસેલો ઉત્સાહ અને પ્રતિભાની અજવાળીએ આ દીકરીઓએ સાબિત કર્યું કે સાચી શક્તિ આંખોમાં નહીં, પરંતુ આત્મવિશ્વાસ અને હૃદયની લાગણીઓમાં વસે છે.
કાર્યક્રમનું વિશેષ આકર્ષણ મુસ્લિમ દીકરી રાહુમા રૂબીના દ્વારા માતાજીની સન્મુખ રજૂ કરવામાં આવેલી માતાજીની કૃતિ રહી હતી. આ પ્રસ્તુતિએ ધાર્મિક સૌહાર્દ, સર્વધર્મ સમભાવ અને સામાજિક એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો. ધર્મ અને સંપ્રદાયની સીમાઓથી પર માનવતા, પ્રેમ અને પરસ્પર આદરની ભાવના જ સમાજને સાચી દિશા આપે છે, તેનો આ પ્રસંગ જીવંત ઉદાહરણ બન્યો હતો. આ ઉપરાંત રેખાબેન બોખાણી, આશાબેન ચાવડા અને વિજયાબેન લોઢિયાના માર્ગદર્શન તથા સહભાગિતામાં રજૂ થયેલા બેઠા ગરબાએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.
આ પ્રસંગે વાઘેશ્વરી મંદિરના ટ્રસ્ટી મુકેશભાઈ રાજપરા, ધવલભાઈ રાજપરા સહિત વિજયાબેન લોઢિયા, પુષ્પાબેન પરમાર, સુશીલાબેન શાહ, ભાનુબેન લોઢિયા, સરોજબેન ઠાકર, દયાબેન માણેક, સંતોષબેન મુદ્રા, શાંતાબેન બેસ, બટુક બાપુ, ઉષાબેન વાજા, સરોજબેન જાેશી, ઉપેનભાઈ દવે, ઓન્લી ઇન્ડિયન, નાગભાઈ વાળા, ભીખુભાઈ પૂજારી અને અમુભાઈ આહીયા સહિતના સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ દીકરીઓને પ્રોત્સાહિત કરી તેમના ઉત્સાહ, પ્રતિભા અને આત્મવિશ્વાસને બિરદાવ્યાં હતાં.
સેવા, સંવેદના અને સમાનતાના મૂલ્યોને સાકાર કરતો આ કાર્યક્રમ માત્ર નવરાત્રીનું સ્વાગત નહોતો, પરંતુ સમાજને એક હૃદયસ્પર્શી સંદેશ આપતો અવસર પણ હતો કે દરેક દીકરીને તક, પ્રોત્સાહન અને સ્નેહ મળે તો તે પોતાની પ્રતિભાથી અનેક લોકોના જીવનમાં પ્રકાશ પાથરી શકે છે. પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જાેડવા અને તેમની આંતરિક શક્તિને પ્રોત્સાહન આપવા માટે આયોજિત આ પહેલને ઉપસ્થિત સૌએ આવકારી હતી.
કાર્યક્રમના અંતે તમામ મહાનુભાવોએ દીકરીઓને શુભાશિષ પાઠવ્યાં હતાં અને તેમની પ્રગતિ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી એસ. મેઘનાથી, મનોજભાઈ સાવલિયા અને દીપકભાઈ ભટ્ટી સહિતના આયોજકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વાઘેશ્વરી માતાના ચરણોમાં ભક્તિની લાગણી સાથે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓના આત્મવિશ્વાસ અને પ્રતિભાને સમર્પિત આ ‘વેલકમ નવરાત્રી’ કાર્યક્રમ જૂનાગઢમાં સેવા, સંસ્કાર, સામાજિક એકતા અને નારીશક્તિના સન્માનનો યાદગાર અવસર બની રહ્યો હતો.


