ખેતી બેંકના ગૌરવશાળી ૭૫ વર્ષ પૂર્ણ
૬ સપ્ટેમ્બરે સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
જૂનાગઢ, તા.૮
ગુજરાતના સહકારી ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતી ખેતી બેંક પોતાના ગૌરવશાળી ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે રવિવાર તા.૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ “એક્વા વેલી, સેતુ એલાટેઝા પાસે, એપોલો સ્કૂલ રોડ, ત્રાગડ, અમદાવાદ” ખાતે બેંકના ૭૫મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખેતી બેંકના ચેરમેનશ્રી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તથા વિશિષ્ટ આમંત્રિતોની ઉપસ્થિતિમાંઅને બેન્કની ગુજરાતની તમામ શાખા કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાંઆ ભવ્ય ઉજવણીમાં કરવામાં આવી હતી. ખેતી બેન્ક દ્વારા સવારથી શરૂ થયેલ આ કાર્યક્રમમાં સૌપ્રથમ ખેતી બેંકના સ્થાપક સ્વ. ઉદયભાણસિંહજીને સમપિર્ત વિશેષ મહા આરતી, ખેતી બેંકની ૭૫ વર્ષની ગૌરવશાળી અને સુવર્ણ સફરને રજૂ કરતી વિશેષ પ્રસ્તુતિ,જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન કમલેશ દરજીની હાસ્યસભર પ્રસ્તુતિ, જાણીતા ઇલ્યુઝનિસ્ટ સપન જોશીનો રોમાંચક અને વિશેષ શો, રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત DID વિજેતા ડાન્સર કમલેશ પટેલની વિશેષ ડાન્સ પરફોર્મન્સ, જાણીતા મોટિવેશનલ સ્પીકર જિતેન્દ્ર અઢિયાનુંમન ઉપર માર્ગદર્શન, ખેતી બેંકના કર્મચારીઓ દ્વારા ગરબા, રાજસ્થાની નૃત્ય,ગીત, ભજન, ગુજરાતી ગીત-શાયરી તથા વિવિધ સંગીતમય પ્રસ્તુતિઓ, તથા કર્મચારીઓ દ્વારા “કાગજ સે એક ક્લિક તક” વિષય પર વિશેષ નાટ્યપ્રસ્તુતિ અને ડોક્યુમેન્ટરી, ખેતી બેંકના બ્રાન્ડ એમ્બેસેડર નિરમા ઠાકોરનું હૈદરાબાદ ખાતે યોજાયેલી મેરેથોનમાં આશરે ૩૫,૦૦૦ પ્રતિયોગીઓ વચ્ચે ચેમ્પિયન બની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવા બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ખેતી બેંકના ચેરમેનશ્રીએ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ કર્મચારીઓને પ્રોત્સાહિત કરી સન્માનિત કર્યા અને જણાવેલ કે ખેતી બેંકના ૭૫ વર્ષ માત્ર એક સીમાચિહ્ન નથી, પરંતુ ગુજરાતના ખેડૂતોના વિશ્વાસ, સહકાર, સેવા અને સમૃદ્ધિની ૭૫ વર્ષની ગૌરવગાથા છે.



