ગીરમાં અધધ 387 રિસોર્ટ-ફાર્મહાઉસ ગેરકાયદેસર હોવાનો ઘટસ્ફોટ
501માંથી માત્ર 113 જ કાયદેસર હોવાનો ખુલાશો થયો : વહીવટી તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ અને ગેરકાયદેસર નિયમો વિના ધમધમતા રિસોર્ટ અંગે કડક કાર્યવાહીના નિર્દેશ
જૂનાગઢ તા.14
એશિયાટીક સિંહોના રહેઠાણ એવા સાસણ ગીર અભ્યારણ સિંહ દર્શન માટેના શ્રેષ્ઠ પર્યટન સ્થળ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગીર વિસ્તારમાં રિસોર્ટ અને ફાર્મહાઉસ ઠેક-ઠેકાણે ખડકાઈ ગયેલા છે અને રિસોર્ટનો આ ધંધો મલાઈવાળો હોય, જેને લઈને વધુને વધુ રિસોર્ટો ખુલી રહ્યા છે અને પ્રવાસી જનતા પાસેથી સારા એવા દામ પણ સુવિધાના નામે ખંખેરવામાં આવતા હોય છે. ગીરમાં આવેલા 501 માંથી 387 જેટલા ગેરકાયદે રિસોર્ટ અને ફાર્મ હાઉસ હોવાનો ચોંકાવાનારો રિપોર્ટ બહાર આવ્યો છે અને જેને લઈને ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર ગીર અભ્યારણ અને ઈકો સેન્સેટીવ જાેનમાં ગેરકાયદે હોટેલ, રિસોર્ટ અને ફાર્મહાઉસ મોટાપાયે ધમધમી રહ્યા છે ત્યારે 387 જેટલા રિસોર્ટ, ફાર્મહાઉસ ગેરકાયદે હોવાનો ધડાકો થયો છે. તાજેતરમાં જ હાઈકોર્ટમાં રજુ થયેલા સોગંદનામા મુજબ 501 પ્રવાસન એકમોમાંથી 387 ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે.
બીજી તરફ 387 જેટલા પ્રવાસન એકમો ગેરકાયદેસર ધમધમતા હોવા છતાં સંબંધીત તંત્ર દ્વારા કેમ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ? તેવા સવાલ પણ આજે ઉઠવા પામેલ છે. આ સમગ્ર મામલે વહીવટી તંત્રની કામગીરી અને નિયમોના પાલન અંગે ઉઠેલા ગંભીર પ્રશ્નો સામે નજીકના સમયમાં જ તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે. નિયમોનો ભંગ કરી અને સરેઆમ રિસોર્ટ અને ફાર્મહાઉસના નામે લૂંટ ચલાવનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


