જી-૭ ને પછાડી બ્રિક્સ બન્યું વિશ્વનું સૌથી મોટું આર્થિક સંગઠન : પુતિનનો દાવો
નવી દિલ્હી તા.૧૨:
૧૨-૧૩ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે આયોજિત ૧૮મી BRICS સમિટ ૨૦૨૬ના પ્રારંભ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની દ્વિપક્ષીય મુલાકાત અને BRICS બિઝનેસ ફોરમને સંબોધતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક અત્યંત મહત્વપૂર્ણ દાવો કર્યો છે. બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં BRICSની વધતી તાકાતનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, આ જૂથ હાલમાં વિશ્વનું સૌથી મોટું આર્થિક બળ બની ચૂક્યું છે. વૈશ્વિક અર્થતંત્રમાં G-7 દેશોનો હિસ્સો ઘટીને માત્ર ૧૮ ટકા રહી ગયો છે, જ્યારે તેની સામે BRICS દેશોનો હિસ્સો વધીને આશરે ૪૦ ટકા સુધી પહોંચી ગયો છે.
પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ પુતિને પશ્ચિમી દેશો અને G-7ના જૂથ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમી દેશો BRICS ની આર્થિક પ્રગતિને રોકવા અને પોતાનું જૂનું વર્ચસ્વ પાછું મેળવવા માટે સરકારી સ્તરે સતત દબાણ બનાવી રહ્યા છે. રશિયા પર અત્યાર સુધીમાં ૩૦,૦૦૦ જેટલા અભૂતપૂર્વ આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવા છતાં રશિયાનું અર્થતંત્ર મજબૂતાઈથી ટકી રહ્યું છે.
૨૦૧૪માં ક્રિમીયા જોડાણ બાદ G--8 માંથી બહાર ફેંકાયેલા રશિયાના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું કે વિશ્વનું અર્થતંત્ર સંપૂર્ણ બદલાઈ ચૂક્યું છે અને BRICS અન્ય તમામ દેશો સાથે મુક્ત વ્યાપારિક અને આર્થિક સહયોગ વધારવા માટે સંપૂર્ણ તૈયાર છે.


