‘ધુરંધર’નો ઉઝેર બલોચ હવે આમિર ખાન સાથે ‘લલકાર’માં, ડેનિશ પાંડોરની એન્ટ્રી

આશુતોષ ગોવારીકરની ફિલ્મમાં આમિરના મિત્રની ભૂમિકા ભજવશે ડેનિશ; લાલા અમરનાથની બાયોપિક હોવાની ચર્ચા, વિક્રાંત મેસ્સી પ્રોજેક્ટનો ભાગ નહીં

‘ધુરંધર’નો ઉઝેર બલોચ હવે આમિર ખાન સાથે ‘લલકાર’માં, ડેનિશ પાંડોરની એન્ટ્રી

મુંબઈ, તા.૯
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’માં ઉઝેર બલોચની ભૂમિકાથી ચર્ચામાં આવેલા અભિનેતા ડેનિશ પાંડોરને હવે વધુ એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે. અહેવાલો અનુસાર ડેનિશ પાંડોરે આશુતોષ ગોવારીકરના દિગ્દર્શનમાં બની રહેલી આમિર ખાન સ્ટારર ફિલ્મ ‘લલકાર’ સાઇન કરી છે. ફિલ્મમાં તે આમિર ખાનના મિત્રની મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
‘લલકાર’ ભારતીય ક્રિકેટર લાલા અમરનાથના જીવન પર આધારિત બાયોપિક હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે ફિલ્મની સંપૂર્ણ વાર્તા અને પાત્રો અંગે હજુ વિસ્તૃત સત્તાવાર માહિતી સામે આવી નથી. ‘જુબિલી’થી જાણીતા બનેલા અભિનેતા સિદ્ધાંત ગુપ્તા પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
થોડા સમય પહેલાં અભિનેતા વિક્રાંત મેસ્સી પણ ‘લલકાર’નો ભાગ હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જોકે અહેવાલ અનુસાર ફિલ્મના સર્જકોએ આ અટકળોને ફગાવી દીધી છે અને વિક્રાંત મેસ્સી આ પ્રોજેક્ટમાં જોવા મળશે નહીં.
ડેનિશ પાંડોર અગાઉ ‘સેક્રેડ ગેમ્સ’ અને ‘છાવા’ જેવા પ્રોજેક્ટ્સમાં પણ જોવા મળી ચૂક્યો છે. જોકે ‘ધુરંધર’માં ઉઝેર બલોચના પાત્રથી તેને વિશેષ ઓળખ મળી હતી. હવે ‘ધુરંધર’ બાદ ‘લલકાર’ તેની કારકિર્દીનો વધુ એક મોટો ફિલ્મ પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે.
ફિલ્મ ક્રિકેટની પૃષ્ઠભૂમિ ધરાવતી હોવાથી આમિર ખાન અને ડેનિશ પાંડોર સહિતના કલાકારોએ પોતાના પાત્રોની તૈયારી માટે ક્રિકેટની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હોવાનું પણ કહેવાય છે.
‘લલકાર’ સાથે આમિર ખાન અને આશુતોષ ગોવારીકરની જોડી ફરી એક વખત સાથે કામ કરી રહી છે. બંનેએ અગાઉ વર્ષ ૨૦૦૧માં આવેલી ચર્ચિત ફિલ્મ ‘લગાન’માં સાથે કામ કર્યું હતું. હવે વર્ષો બાદ બંનેના આ નવા પ્રોજેક્ટને લઈને ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.