દશેરાના કાર્યક્રમમાં ‘જીભ લપસતાં’ થયેલા વિવાદ પર રણબીર કપૂરે જાહેરમાં માફી માગી

‘જીત’ના બદલે ‘અંત’ બોલાઈ જતાં સોશિયલ મીડિયા પર થયો હતો ટ્રોલ; ચેન્નઈમાં ‘રામાયણ’ના પ્રમોશન દરમિયાન ભૂલ સ્વીકારી ‘રોકસ્ટાર’નું ગીત યાદ કર્યું

દશેરાના કાર્યક્રમમાં ‘જીભ લપસતાં’ થયેલા વિવાદ પર રણબીર કપૂરે જાહેરમાં માફી માગી

મુંબઈ, તા.૨૩
અભિનેતા રણબીર કપૂર પોતાની બહુપ્રતિક્ષિત આગામી ફિલ્મ ‘રામાયણ’ને લઈને સતત ચર્ચામાં છે. જોકે, ફિલ્મના પ્રમોશન દરમિયાન કોલકાતા ખાતે યોજાયેલા દશેરાના એક કાર્યક્રમમાં આપેલા નિવેદનને કારણે અભિનેતા મોટા વિવાદમાં સપડાયો હતો. સત્યના વિજયનો સંદેશ આપતી વખતે બોલવામાં થયેલી ચૂકને કારણે સોશિયલ મીડિયા પર તેને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. હવે આ સમગ્ર વિવાદ પર પૂર્ણવિરામ મૂકતાં અભિનેતાએ ચેન્નઈમાં યોજાયેલા પ્રમોશનલ કાર્યક્રમ દરમિયાન પોતાની ભૂલ સ્વીકારીને જાહેરમાં માફી માગી લીધી છે.
ઘટનાની વિગતો મુજબ, રણબીર કપૂર કોલકાતામાં દશેરા મહોત્સવમાં સામેલ થયો હતો. આ પ્રસંગે તેણે દશેરા પર્વના મહત્ત્વ અને અસત્ય પર સત્યના વિજય વિશે વાત કરી હતી. રણબીર એવું કહેવા માગતો હતો કે અનિષ્ટ કે બુરાઈ ગમે તેટલી શક્તિશાળી હોય, પરંતુ આખરે સત્ય અને સારાપણાની જ ‘જીત’ થાય છે. જોકે બોલતી વખતે ‘જીત’ શબ્દના સ્થાને તેના મુખમાંથી અજાણતાં ‘અંત’ શબ્દ નીકળી ગયો હતો, જેનાથી સમગ્ર નિવેદનનો અર્થ બદલાઈ ગયો હતો અને આ કાર્યક્રમનો વીડિયો જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો.
આ ભૂલ સામે આવતાં જ નેટિઝન્સે રણબીરને નિશાના પર લીધો હતો. ખાસ કરીને તે આગામી ફિલ્મમાં ભગવાન શ્રીરામનું પાવન પાત્ર ભજવી રહ્યો હોવાથી લોકોએ આકરી પ્રતિક્રિયાઓ આપી હતી અને મીમ્સ પણ બનાવ્યા હતા. જોકે, કેટલાક ચાહકોએ તેને માનવીય ભૂલ ગણાવીને અભિનેતાનો બચાવ પણ કર્યો હતો.
વિવાદ વધતાં રણબીર કપૂરે ચેન્નઈ ખાતે યોજાયેલા મ્યુઝિકલ લોન્ચ કાર્યક્રમમાં જાહેરમાં ખુલાસો કર્યો હતો. ઉપસ્થિત લોકોને સંબોધતાં તેણે નમ્રતાપૂર્વક કહ્યું હતું કે, “હું દશેરાના કાર્યક્રમમાં બનેલી ઘટના બદલ દિલથી માફી માગું છું. મારી જીભ લપસી ગઈ હતી. મારો કહેવાનો આશય એ હતો કે બુરાઈ ગમે તેટલી શક્તિશાળી કેમ ન હોય, આખરે વિજય સત્ય અને સારાઈનો જ થાય છે.”
માફી માગતી વખતે રણબીરે પોતાની સુપરહિટ ફિલ્મ ‘રોકસ્ટાર’ના જાણીતા ગીતની પંક્તિ ટાંકીને માહોલ હળવો કર્યો હતો. સંગીતકાર એ.આર. રહેમાનને યાદ કરતાં તેણે કહ્યું, “જો ભી મૈં કહના ચાહૂં, બરબાદ કરે અલ્ફાઝ મેરે.” આ પંક્તિ સાથે તેણે ફરી એકવાર ખેદ વ્યક્ત કર્યો હતો, જે દરમિયાન મંચ પર તેની બાજુમાં બેઠેલી સહ-અભિનેત્રી સાઈ પલ્લવી પણ હસતી જોવા મળી હતી. ભૂલ સ્વીકારીને માફી માગતો રણબીરનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા મેળવી રહ્યો છે.