શ્રીહરીકોટામાં જેટલા રોકેટ લોન્ચ નથી થતા તેનાથી વધુ કોંગ્રેસમાં નેતાને લોન્ચ કરવાના પ્રયાસો થાય છે : વડાપ્રધાન મોદીનો કટાક્ષ

શ્રીહરીકોટામાં જેટલા રોકેટ લોન્ચ નથી થતા તેનાથી વધુ કોંગ્રેસમાં નેતાને લોન્ચ કરવાના પ્રયાસો થાય છે : વડાપ્રધાન મોદીનો કટાક્ષ

(એજન્સી)   નવી દિલ્હી, તા.૨૩:
દિલ્હી ખાતે યોજાયેલી NDTV વર્લ્ડ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર અત્યાર સુધીનો સૌથી તીખો અને ધારદાર રાજકીય હુમલો કર્યો છે. વિશ્વ સમક્ષ ભારતની વધતી શાખ અને મજબૂત સ્થિતિનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે જ્યારે આખું વિશ્વ એક નવી વ્યવસ્થા અને સ્થિરતા શોધી રહ્યું છે, ત્યારે દેશના કેટલાક રાજકીય તત્વો ભારતમાં અસ્થિરતા અને અવ્યવસ્થા ફેલાવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે. રાહુલ ગાંધીનું નામ લીધા વિના કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, ઈસરોના શ્રીહરિકોટા સેન્ટરથી એક વર્ષમાં જેટલા રોકેટ લોન્ચ નથી થતા, તેનાથી વધુ વખત કોંગ્રેસ પોતાના નિષ્ફળ નેતાને રાજકારણમાં લોન્ચ કરવાના પ્રયાસો કરે છે. પીએમ મોદીએ અફસોસ વ્યક્ત કર્યો કે કોંગ્રેસ પોતાના એક પરિવાર અને નેતાને ચમકાવવા માટે દેશની પ્રતિષ્ઠા અને સિદ્ધિઓને પણ દાવ પર લગાવી રહી છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વિપક્ષી પાર્ટીમાં વધી રહેલા આંતરિક અસંતોષ અને માનસિકતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દ્રાક્ષ ખાટી છે કહેવતનો ઉલ્લેખ કરીને કહ્યું કે કોંગ્રેસ પોતાની સતત નિષ્ફળતાઓથી એટલી હતાશ થઈ ગઈ છે કે હવે તે વેલ જ કાપવામાં વ્યસ્ત બની છે. પાર્ટી પર આકરા પ્રહારો કરતા તેમણે ઉમેર્યું કે હવે માનસિક નક્સલીઓએ કોંગ્રેસની વિચારસરણી પર સંપૂર્ણ રીતે કબજો કરી લીધો છે અને ભૂતકાળમાં જંગલોમાં વિનાશ વેડફનારા વિચારકો હવે કોંગ્રેસમાં ઘૂસીને દેશની પ્રગતિને નુકસાન પહોંચાડી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ અને અનુભવી નેતાઓ પણ આ દબાણ અને અપમાનથી અંદરથી ઘૂંટાઈ રહ્યા છે, પરંતુ પરિવારશાહીના બોજ હેઠળ ચૂપ રહેવા મજબૂર છે.