પ્લાસવાની એમ. જે. કુંભાણી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને અન્ય શાળાઓના એલ.સી. આપવામાં આવતા હોવાના આક્ષેપો
જૂનાગઢ તા.૧૭
જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામની એમ. જે. કુંભાણી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને અન્ય શાળાઓના સ્કૂલ લીવિંગ સટિર્ફિકેટ (એલસી) પધરાવી દેવાયાના ગંભીર આક્ષેપો ઊઠતા શિક્ષણ જગતમાં ભારે હલચલ મચી ગઈ છે.
શાળા છોડતી વખતે મળેલા એલસીમાં અગાઉની શાળા, ગામ અને જન્મતારીખ જેવી અતિ મહત્વપૂર્ણ વિગતોમાં ગંભીર વિસંગતતાઓ સામે આવી છે. આ સમગ્ર મામલે વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ફરિયાદોના આધારે જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી (ડીઇઓ) કચેરી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
દરમ્યાન પ્લાસવા ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મનીષ નાવડિયા, રાકેશ મકવાણા અને સંદીપ ચૌહાણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમણે ધોરણ ૯ અને ૧૦ નો અભ્યાસ આ જ શાળામાં કર્યો હતો. તેમ છતાં તેમની મંજૂરી કે જાણ વગર આશરે ૧૫ થી ૧૯ જેટલા વિદ્યાર્થીઓના એલસી અન્ય શાળાઓમાં ડાયવર્ટ કરી દેવાયા હતા. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે તેમની પાસે નવમા ધોરણની માર્કશીટ હોવા છતાં શાળા તંત્ર યોગ્ય જવાબ આપતું નથી. જો નિષ્પક્ષ તપાસ નહીં થાય તો ગાંધીનગર સુધી રજૂઆત કરવાની ચીમકી આપવામાં આવી છે. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ ગ્રાન્ટેડ શાળાઓમાં ભૂતિયા વિદ્યાર્થીઓ દર્શાવી સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ પચાવી પાડવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
બીજી તરફ શાળાના આચાર્ય રશ્મિબેન ઘોણીયાએ ખુલાસો કર્યો હતો કે ફેબ્રુઆરી ૨૦૨૫થી તેમની નિમણૂક થઈ છે અને શાળાનો તમામ ઉપલબ્ધ રેકોર્ડ તપાસ અધિકારીઓને સોંપી દેવાયો છે. નિયમ મુજબ વિદ્યાર્થી શાળા છોડ્યા પછી જ્યાં એડમિશન લે ત્યાંનું એલસી મળે છે અને શાળામાં રેકોર્ડ પર વિદ્યાર્થીઓની સહીઓ મોજૂદ છે.
દરમ્યાન આ બાબતે જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યુ હતું કે અરજી મળતા જ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ સુધીના તમામ રેકોર્ડની સ્થળ તપાસ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એલસી પાછળ ઓરિજિનલ કોપીમાં વિદ્યાર્થીઓની સહીઓ મળી આવી છે, જેથી પ્રથમ દૃષ્ટિએ કોઈ ખોટો ઈરાદો જણાતો નથી. જ્યાં ધોરણ ૧૧ નથી ત્યાં ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક નામ ટ્રાન્સફર થવાની ટેકનિકી પ્રક્રિયાથી આ ગેરસમજ ઉભી થઈ હોઈ શકે છે. જો વાલીઓને કોઈ મુશ્કેલી હોય તો કચેરીનો સંપર્ક કરવા જણાવેલ છે.


