વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરાવ કરતા પીઆઈએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરાવ કરતા પીઆઈએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.10
સંવેદનશીલ શહેર એવા જીલ્લા મથક વેરાવળના કોળીવાળા વિસ્તારમાં ચાલતી જુગારની કલબ ઉપટ મંગળવારે મોડી સાંજે સ્ટેટ મોનીટરીંગ સેલ(SMC) દ્વારા ગુપ્ત બાતમીના આધારે દરોડા પાડેલ ત્યારે હંગામો સર્જાયો હતો. જીસ્ઝ્રના દરોડાની કાર્યવાહી દરમ્યાન સ્થાનિક લોકોના ટોળાં એકત્ર થઈ જતાં પરિસ્થિતિ તંગ બનતા SMCના પીઆઈ જે.એચ. સીસોદીયાએ કાયદો-વ્યવસ્થા કાબુમાં રાખવા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. જેના પગલે ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનામાં પોલીસે જુદા જુદા બે ગુનાઓ નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. આ દરોડા અને હંગામા અંગે મળતી માહિતી મુજબ SMCની ટીમ અત્રેના કોળીવાળા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવા પહોંચી હતી. આ કાર્યવાહી દરમ્યાન સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયેલ અને પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ થયો હતો. જો કે, પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા અને ટોળું બેકાબુ થવાની સ્થિતિ સર્જાતા પીઆઈ જે.એચ. સીસોદીયાએ આત્મરક્ષા તેમજ ભીડને વિખેરવા માટે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારે ફાયરિંગના અવાજથી સમગ્ર કોળીવાળા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા. તો બીજી તરફ વેરાવળ શહેર પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા બાદ વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી સ્થિતિને કાબુમાં લીધી હતી. આ દરોડા દરમ્યાન જુગારમાં સંડોવાયેલા કેટલાક શખ્સો સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જો કે, પોલીસને સ્થળ પરથી રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે. આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી હોવાની સત્તાવાર માહિતી હજુ સુધી બહાર આવી નથી. આ સમગ્ર બનાવ અંગે SMCના પીઆઈ જે.એચ. સીસોદીયાએ બનાવની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, જુગાર અંગેની કાર્યવાહી દરમ્યાન સ્થાનિક લોકોના ટોળાં એકત્ર થઈ જતાં કાયદો- વ્યવસ્થા જાળવવા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં પોલીસમાં SMCની ટીમે બે ગુનાઓ નોંધાવ્યા છે. જેમાં પ્રથમ ગુનામાં 34 જુગારીઓ સામે જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધેલ છે. જેમાં દરોડા દરમ્યાન સ્થળ પરથી 26,500ની રોકડ, 6 મોબાઈલ મળી કુલ 56,500નો મુદામાલ જપ્ત કરી નાસી ગયેલા તમામ જુગારીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. જયારે બીજા ગુનામાં 40 લોકોના નામજોગ સહિત 200 જેટલા સ્ત્રી-પુરૂષોના ટોળા સામે ફરજમાં રૂકાવટ, રાયોટીંગ અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, આ સમગ્ર ઘટનાએ શહેર અને પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.
SMCના દરોડાઓથી જીલ્લા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા
છેલ્લા છએક માસ દરમ્યાન સ્ટેટ મોનીટરીંગ સેલ(SMC)ની ટીમે વેરાવળ, તાલાલા, ગીરગઢડા અને ઉનામાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈ સાતેક જેટલા દરોડા પાડી નોંધપાત્ર કડક કાર્યવાહી કરી છે. ત્યારે જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા દિવસ-રાત ફરજ બજાવતી એલસીબી, એસઓજી સહિતની મહત્વની બ્રાન્ચોની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. જેથી આ બાબતની ઉચ્ચ કક્ષાએથી નોંધ લઈ જીલ્લા પોલીસની કામગીરી સુદઢ બનાવવા કોઈ પગલા ભરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.