ખંભાળિયાના સલાયાનું માલવાહક જહાજ દરિયામાં ગારદ : બે ખલાસીઓના મોત

ખંભાળિયાના સલાયાનું માલવાહક જહાજ દરિયામાં ગારદ : બે ખલાસીઓના મોત

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.11
ખંભાળિયા તાલુકાના સલાયાનું એક માલવાહક જહાજ બુધવારે ઓમાનના દરિયામાં ડૂબી ગયું છે. આ દુર્ઘટનામાં જહાજ પર સવાર 14 ખલાસીઓમાંથી બેના મોત થયા છે, જ્યારે 12 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સલાયાનું આ જહાજ ‘મહેબૂબ એ બુખારી‘ (રજીસ્ટ્રેશન નંબર BDI 1415) હતું. તે 3 જુલાઈએ દુબઈથી જનરલ કાર્ગો ભરીને જીબુટી જવા રવાના થયું હતું. ઓમાનના દરિયામાં ખરાબ હવામાન અને બંને મુખ્ય એન્જિન ફેઈલ થવાને કારણે જહાજ ડૂબવા લાગ્યું હતું. તેને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા, જેથી ટંડેલે તમામ ક્રૂ મેમ્બરોને જીવ બચાવવા દરિયામાં કૂદવાનો આદેશ આપ્યો હતો. અતિશય ખરાબ હવામાનને કારણે 14 ખલાસીઓમાંથી બેના મૃત્યુ થયા હતા. બાકીના 12 ખલાસીઓને ઓમાન નેવી તેમજ નજીકથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો "અલ હાજી હસન" અને "સફિના અલ નૂરે ઇલાહી" દ્વારા સંયુક્ત રીતે બચાવવામાં આવ્યા હતા. મૃતદેહો અને બચાવવામાં આવેલા 12 ખલાસીઓને ઓમાનના દુકમ નજીક ફિશિંગ જેટી પર લાવવામાં આવ્યા હતા. આ સમાચાર સલાયા પહોંચતા વહાણવટી ભાઈઓમાં શોકની લાગણી પ્રસરી હતી. સલાયાના આદમ ભાયા (સેક્રેટરી, ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિયેશન) દ્વારા સંબંધિત તંત્ર અને ફોરેન ડિપાર્ટમેન્ટને ઈ-મેઈલ દ્વારા મૃતદેહો અને જીવિત ખલાસીઓને પરત લાવવા તેમજ જરૂરી કાગળો પૂરા કરવા અને તમામ સહાય પૂરી પાડવા જાણ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં યાસીન નુરમામદ ગંઢાર અને ઇમરાન ઇશાક ભાયા નામના આ બંનેના મૃત્યુ થયા છે. મૃત્યુ પામનાર ખંભાળિયા તાલુકાના સલાયાના રહીશ છે. આ બનાવે નાના એવા સલાયા ગામ તથા માછીમાર પરિવારોમાં શોક સાથે ચિંતાની લાગણી પ્રસરાવી છે.