સાસણ ગીરનો સનસેટ પોઈન્ટ જાળવણીના અભાવે જર્જરિત : કરોડોનો ખર્ચ ધુળધાણી

સાસણ ગીરનો સનસેટ પોઈન્ટ જાળવણીના અભાવે જર્જરિત : કરોડોનો ખર્ચ ધુળધાણી

તાલાલા તા.૧૨
સાસણ સનસેટ પોઇન્ટ જાળવણીના અભાવે જર્જરીત બન્યો છે જેથી જાળવણી કરવી જરૂરી છે. વિશ્વભરમાં એશિયાટિક સિંહોના અભયારણ્ય તરીકે જાણીતા સાસણ ગીરનું પ્રખ્યાત સનસેટ પોઈન્ટ આજે તંત્રની ઉદાસીનતા અને માવજતના અભાવે ખંઢેર હાલતમાં જોવા મળી રહ્યો છે.
આ અંગે મળતી વિગત અનુસાર પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કરોડો રૂપિયાના ખર્ચે નિમિર્ત આ સ્થળ હવે ગંદકી અને અવ્યવસ્થાનું કેન્દ્ર બની ગયું છે, જેના કારણે દેશ-વિદેશથી આવતા પર્યટકોમાં ભારે નારાજગી અને નિરાશા ફેલાઈ રહી છે.
કરોડોના ખર્ચે ઉભી કરાયેલી આ સાઈટ પર રેસ્ટ રૂમ અને ફૂડ શોપ જેવી મૂળભૂત સુવિધાઓ હવે બંધ હાલતમાં છે, જે ધૂળ અને ગંદકીથી ખદબદી રહી છે.
આ વિસ્તારમાં જ્યાં-ત્યાં કચરાના ઢગલા, ઉગેલું ઘાસ અને ઝાડ-ઝાંખરા આ સ્થળની સુંદરતાને નષ્ટ કરી રહ્યા છે.ઝાડનું કટિંગ ન થતાં આખો વિસ્તાર જંગલ જેવો બની ગયો છે, જેના કારણે આ સ્થળ હવે પર્યટકોના આકર્ષણને બદલે નિરાશાનું કેન્દ્ર બન્યું છે.
સાસણ ગીરનું સનસેટ પોઈન્ટ પર્યટનની દૃષ્ટિએ મહત્વનું સ્થળ છે, જે દેશ-વિદેશના પર્યટકોને આકર્ષે છે. જોકે, હાલની દશા જોતાં લાગે છે કે સરકારનો કરોડોનો ખર્ચ નકામો જઈ રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રની નિષ્ક્રિયતા આ દુર્દશા માટે જવાબદાર છે. અગાઉ પણ જાળવણીના નામે મોટા-મોટા વાયદાઓ કરવામાં આવ્યા 
હતા. 
પરંતુ નામમાત્રના પગલાં સિવાય કોઈ નોંધપાત્ર પરિણામ જોવા મળ્યું નથી. આવી દયનીય હાલત?સુધારવી જોઈએ? સ્થાનિક રહેવાસી દિલીપભાઈ બસીયાએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું, "સનસેટ પોઈન્ટની આવી દયનીય હાલત જોઈને દુ:ખ થાય છે. કરોડોનો ખર્ચ કરીને બનાવેલી જગ્યા આવી ગંદકી અને અવ્યવસ્થામાં પડી હોય તે સ્વીકારી શકાય તેમ નથી. વન વિભાગ અને વહીવટી તંત્રની બેદરકારી આ માટે જવાબદાર છે.