જૂનાગઢ ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં ભક્તિ-સંસ્કૃતિનો સંગમ : પાર્ટી પ્લોટ માટે રૂા.૧૧ કરોડથી વધુના દાનનો ધોધ

જૂનાગઢ ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં ભક્તિ-સંસ્કૃતિનો સંગમ : પાર્ટી પ્લોટ માટે રૂા.૧૧ કરોડથી વધુના દાનનો ધોધ

જૂનાગઢ, તા.ર૧
શ્રી ખોડલધામ ટ્રસ્ટ–કાગવડના પ્રણેતા નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ આ વર્ષે ધાર્મિક આસ્થા, સાંસ્કૃતિક વૈભવ અને સામાજિક એકતાની અનોખી મિસાલ બની રહ્યો હતો. શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજના પટાંગણમાં સંપન્ન થયેલા આ મહોત્સવમાં રોજિંદા હજારો ખેલૈયાઓ અને દર્શકોની જંગી ઉપસ્થિતિ વચ્ચે સમાજના પોતાના પાર્ટી પ્લોટના નિર્માણ હેતુ દાતાઓ દ્વારા ?૧૧ કરોડથી વધુ રકમના ઉદાર દાનની જાહેરાત કરવામાં આવી હતી. આ ઐતિહાસિક સફળતા, દાતાઓની ઉદારતા અને રાત-દિવસ સેવા આપનાર ૩૫૦થી વધુ યુવા સ્વયંસેવકોના કાર્યોના મુક્તકંઠે વખાણ કરતાં  વિમ્પલભાઈ વઘાસીયાએ જણાવ્યું હતું કે, સમાજનો આવો એકતા અને સહયોગપૂર્ણ અભિગમ જ નવી પેઢી માટે સંસ્કૃતિ અને વિકાસના પાયાને વધુ મજબૂત બનાવે છે.
નવ દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં ભગવા-સનાતન, તિરંગા સન્માન, દેશભક્તિ અને વૈષ્ણવી રાસ પરંપરા જેવી પ્રેરણાદાયી થીમ રજૂ કરાઈ હતી. હેમંત જાેષી, જલ્પા જાેષી અને કણબી સિસ્ટર્સના સુરીલા કંઠે ગરબે ઘૂમતા ખેલૈયાઓ સાથે આઠમના પાવન દિવસે યોજાયેલી ભવ્ય મહાઆરતી, માતાજીના રથનું પરિભ્રમણ અને ગોવર્ધન લીલા આધારિત કલાત્મક પ્રવેશદ્વારે ભારે આકર્ષણ જમાવ્યું હતું. ૧૫ વીઘામાં પથરાયેલ વિશાળ પાર્કિંગ, અલ્પાહાર, મેડિકલ કેમ્પ અને સુચારુ આયોજન વચ્ચે ત્રીજા જ નોરતે હાઉસફુલ થયેલો આ મહોત્સવ આસ્થા, સંસ્કૃતિ અને સામાજિક ઉત્થાનનો યાદગાર ઉત્સવ સાબિત થયો હતો.