આશાદીપ ચેરીટેલબ ફાઉન્ડેશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માનસિક દિવ્યાંગોનો પ્રવાસ યોજાયો

આશાદીપ ચેરીટેલબ ફાઉન્ડેશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માનસિક દિવ્યાંગોનો પ્રવાસ યોજાયો

જૂનાગઢ તા. ર૬
જૂનાગઢના ડો.બકુલ બુચ દ્વારા સ્થાપિત એવી સંસ્થા આશાદીપ ચેટીટેબલ ફાઉન્ડેશન  વિનામૂલ્યે ૧૮ વર્ષથી ઉપરના મનોદિવ્યાંગોને નિષ્ણાંતો દ્વારા માનસિક, સામાજીક અને વ્યવસાયિક રીતે સારવાર તાલીમ આપી સમાજમાં પુન:સ્થાપિત કરવાની કામગીરી રેડક્રોસ બિલ્ડીંગ, આઝાદ ચોક, જૂનાગઢ ખાતે કરી રહયું છે. 
તા.ર૦-ર૧ નવેમ્બર, ર૦રપના આશાદીપ માનસિક દિવ્યાંગોને સરસ મજાની સ્લીપર બસમાં સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે પ્રવાસમાં લઈ જવામાં આવેલ હતો. જયાં ત્રણ રાત્રી અને બે દિવસનું આયોજન કરવામાં આવેલ હતું.  કુદરતી વાતાવરણ, સ્વીમીંગ પુલ, ટેન્ટવાળા રૂમ્સ વગેરે માહોલવાળા રીસોર્ટમાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. ગરમા-ગરમ ચા-નાસ્તો, લંચ, ડીનર વિગેરેનું સરસ વ્યવસ્થા રાખેલ હતી. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ દિવ્યાંગોને બતાવવામાં આવ્યું હતું. સાથો સાથ લાઈટીંગ ગેલેરી, લેઝર શો, કેકટ્સ ગાર્ડન, બટરફલાય ગાર્ડન, સરદાર સરોવર ડેમ, જંગલ સફારી, કમલમ પાર્ક, વેલી ઓફ ફલાવર વિગેરે સ્થળોની મુલાકાત કરવામાં આવી હતી. સાથો સાથ ઓપન ગાર્ડનમાં ડીનર પછી ડાન્સ, ગરબા, તાપણું સાથે સ્વમીંગ પુલની મજા માણી હતી.  તેમજ નિલકંઠ ધામ પોયચામાં હાથી, ઘોડાવાળી રથયાત્રા અને આરતીમાં દિવ્યાંગો હાજર રહયા હતા. આમ માનસિક દિવ્યાંગો અને સ્ટાફ મળી કુલ ૩૮ લોકોએ પિકનીકની મજા માણી હતી. પિકનીકનું આયોજન પુર્ણિમાબેન હેડાવ દ્વારા કરવામાં આવેલ હતું. પિકનીકના મુખ્ય દાતા શશીકાંતભાઈ રૂપારેલીયા રહયા હતા તેમજ વાલીઓએ પણ પોતાનો યથાયોગ્ય આર્થિક  સહયોગ આપ્યો હતો. આ પિકનીકના આયોજન બદલ વાલીઓએ આશાદીપની ટીમને બિરદાવી હતી.