સોમનાથ કાર્તિક પુર્ણિમા મેળામાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
તા.ર૭ નવેમ્બરથી ૧ ડીસેમ્બર સુધી સોમનાથ ખાતે કાર્તિક પુર્ણિમા મેળો યોજાશે
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ પાટણ તા. ર૬
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરનો મુલત્વી રહેલો કાર્તિક પુર્ણિમાનો મેળો તા.ર૭ નવેમ્બરથી શરૂ થઈ રહયો છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીઆઈ એમ.જી. પટેલ તથા વિભાગીય નાયબ પોલીસ સાથેના સંકલનમાં સોમનાથના મેળામાં જડબેસલાક મેળો માણનાર લોકોને સહાયરૂપ થાય તે રીતેનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલ છે.
આ ગોઠવાયેલા પોલીસ બંદોબસ્તમાં એક ડીવાયએસપી, પાંચ પીઆઈ, ૧ર પીએસઆઈ, ૧૧૦ પોલીસ જવાન, ૪પ જીઆરડી, ૧પ હોમગાર્ડ, ૧૦ ટીઆરબી, ૭ બોડીવોર્ન કેમેરા સાથેના જવાન, પોલીસ કંટ્રોલ રૂમ રાવટી, પોલીસ સહાયતા કેન્દ્ર, ગુમ થયેલ-મળી આવેલ શોધક સેન્ટર તથા પોલીસ વોચ ટાવર સહીતની સતર્ક સુરક્ષા તથા સહાયતા સાથેનો પોલીસ બંદોબસ્ત ઈન્ચાર્જ પીઆઈ એમ.જી. પટેલની દેખરેખ હેઠળ રાખવામાં આવેલ છે.
વેરાવળ એસટી ડેપો મેનેજર દિલીપ શામળાના જણાવ્યા અનુસાર યોજાનારા આ કાર્તિક પુર્ણિમાના મેળાની નજીક જ સોમનાથ એસટી ડેપો આવેલ છે. જયાં વેરાવળ-સોમનાથ અને અન્ય શહેરોને જાેડતી રોજની ૭૯ બસો પરીવહન કરે છે અને જે રૂટ મેળામાં ભાગ લેવા માગનારને ઉપયોગી બની રહે છે.
આમ છતાં વધતા ટ્રાફીકને અનુસરી જરૂરત મુજબ જાે એકસ્ટ્રા બસો દોડાવવી પડશે તો તે પણ મુકવામાં આવશે. વેરાવળ-પાટણ વચ્ચે દોડતી સીટી બસ પણ મેળામાં ચાલુ રહેનાર છે. વેરાવળ ફાયર ઓફીસર પ્રતિક ગઢવીએ જણાવ્યું હતું કે, સોમનાથના મેળામાં અમારૂં એક ફાયર ફાઈટર ટીમ સાથે સ્ટેન્ડ બાય ર૪ કલાક રહેશે અને સ્થળ તપાસ બાદ જરૂરત પ્રમાણે વાહન વધારશે.
મેળામાં ઈમરજન્સી લાઈટ માટે સ્ટેન્ડ બાય જનરેટર તથા હંગામી ટોયલેટ વ્યવસ્થા પણ ગોઠવાઈ રહી છે. સોમનાથ મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમો દરરોજ રાત્રે ૯ કલાકે રાખવામાં આવેલ છે. જેમાં તા.ર૭ના રોજ લોક સંગીતનો કાર્યક્રમમાં અપેક્ષાબેન પંડયા પોતાની કલા પીરસશે. તેમજ તા.ર૮ના રોજ લોકડાયરામાં લોક ગાયક હેમંત જાેષી તથા હાસ્ય કલાકાર હિતેશ આંટાળા, તા.ર૯ ના રોજ લોકસંગીતમાં રાજલબેન બારોટ, તા.૩૦ના રોજ લોક સંગીતમાં લોક ગાયક સાંત્વનીબેન ત્રિવેદી, બહાદુર ગઢવી, તા.૧ ડીસે.ના રોજ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, લોક ગાયક કિર્તીદાન ગઢવી ઉપસ્થિત રહેશે.


