ટ્રમ્પે અમેરીકા બહાર બનેલી ફિલ્મો પર ૧૦૦ ટકા ટેરિફ ઝીંકી : બોલીવુડને ગંભીર અસર થશે
(એજન્સી) નવી દિલ્હી તા.૩૦:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આખી દુનિયાને મોટો ઝટકો આપ્યો છે. તેમણે અમેરિકાની બહાર બનેલી તમામ ફિલ્મો પર ૧૦૦ ટકા ટેરિફ (જકાત) લગાવવાની જાહેરાત કરી છે. માનવામાં આવે છે કે ટ્રમ્પના આ ર્નિણયની ભારતીય ફિલ્મ ઉદ્યોગ પર પણ ગંભીર અસર પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ‘ પર પોસ્ટ શેર કરીને આ ર્નિણયની જાહેરાત કરી હતી.
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, "અન્ય દેશો દ્વારા આપણા ફિલ્મ ઉદ્યોગને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી લૂંટવામાં આવ્યો છે, જેમ કોઈ બાળકની મીઠાઈ છીનવી લેવામાં આવે છે."
તેમણે ઉમેર્યું કે, "આ લાંબા સમયથી ચાલી રહેલી, વણઉકેલાયેલી સમસ્યાને ઉકેલવા માટે, હું બધી વિદેશી-નિમિર્ત ફિલ્મો પર ૧૦૦% ટેરિફ લાદીશ."


