શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે પોરબંદર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટરને રૂબરૂ રજૂઆત

વસ્તી ગણતરીની રજાઓ મંજૂર કરવા, નગરપાલિકા ચૂંટણી અને SIR કામગીરીનું બાકી મહેનતાણું ચૂકવવા ઉગ્ર માંગ

શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે પોરબંદર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટરને રૂબરૂ રજૂઆત

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧પ
પોરબંદર જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકોને નડતા વિવિધ પડતર પ્રશ્નોના વહેલી તકે નિરાકરણ લાવવા માટે પોરબંદર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને એક વિસ્તૃત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ લાખાભાઈ ચુંડાવદરા અને મહામંત્રી વેજાભાઈ કોડિયાતરની આગેવાનીમાં શિક્ષકોના પ્રતિનિધિ મંડળે કલેક્ટર સમક્ષ વિવિધ વહીવટી અને આર્થિક મુશ્કેલીઓ ની ઉગ્ર રજૂઆત કરી હતી. આવેદન પત્રમાં રજૂ કરાયેલા મુખ્ય પ્રશ્નો અને માંગણીઓમાં વસ્તી ગણતરીની રજાઓ મંજૂર કરો: વેકેશન અને રજાના દિવસોમાં શિક્ષકો દ્વારા કરવામાં આવેલ પ્રથમ તબક્કાની વસતી ગણતરીની રજાઓ હજુ સુધી મંજૂર થઈ નથી, જે તાત્કાલિક મંજૂર કરવા માંગ કરાઈ છે. ચૂંટણી કામગીરીનું બાકી મહેનતાણું ચૂકવો: તાજેતરમાં યોજાયેલી રાણાવાવ અને પોરબંદર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મહેનતાણું હજી સુધી કેટલાય શિક્ષકોને મળ્યું નથી. જવાબદાર અધિકારીઓને સૂચના આપી આ મહેનતાણું વહેલી તકે ચૂકવવા વિનંતી કરાઈ છે. SIR કામગીરીનું મહેનતાણુંમાં એસ.આઈ.આર.ની કામગીરીનું સંપૂર્ણ મહેનતાણું પણ હજી સુધી બાકી હોય, તેમાં યોગ્ય તપાસ કરાવી શિક્ષકોને વહેલામાં વહેલી તકે નાણાં ચૂકવાય તેવી સૂચના આપવા માંગ કરાઈ છે. BLO કામગીરીમાં અન્ય વિભાગના કર્મચારીઓને સાંકળો બી.એલ.ઓ. તરીકે માત્ર શિક્ષકોને જ ફરજ સોંપવાને બદલે અન્ય સરકારી વિભાગના કર્મચારીઓનો પણ આ કામગીરીમાં સમાવેશ કરવો જોઈએ. વળી, જે શિક્ષકો મુક્તિ માંગે તેમને મુક્તિ આપવી જોઈએ. એક જ શાળાના તમામ શિક્ષકોને BLO ન બનાવવા: કોઈ એક જ શાળાના તમામ શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરી સોંપવાથી શાળાનું શિક્ષણ અને વહીવટી કાર્ય સંપૂર્ણ ખોરવાઈ જાય છે. આવેદનમાં ઉદાહરણ આપતા જણાવાયું છે કે, કેશવ પ્રાથમિક શાળા, પોરબંદરના તમામ શિક્ષિકા બહેનો હાલ BLO તરીકે ફરજ બજાવી રહ્યા છે, જેના કારણે શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. ભવિષ્યમાં આવું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરવા રજૂઆત કરાઈ છે. આ તમામ પ્રશ્નો અંગે યોગ્ય અને ઝડપી ઘટતું કરવા માટે પોરબંદર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ લાખાભાઈ ચુંડાવદરા, મહામંત્રી વેજાભાઈ કોડિયાતર તથા ઉપસ્થિત અન્ય શિક્ષક આગેવાનો દ્વારા કલેક્ટરને સત્વરે યોગ્ય ર્નિણય લેવા ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે.