વેરાવળમાં બે સોની વેપારીઓ પેઢીઓને ત્યાં CGSTએ દરોડો પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ
અધિકારીઓએ બંન્ને પેઢીના હિસાબ કિતાબ, કોમ્પ્યુટર ડેટા જેવા દસ્તાવેજોની જીણવટભરી તપાસ હાથ ધરી ઝ્રય્જી્ની કાર્યવાહીના પગલે સોની સહિતની બજારોમાં અનેરી શાંતિ પ્રસરી ગઈ
વેરાવળ તા.રર
વેરાવળના સોની વેપારીઓને ત્યાં અચાનક CGST વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા વેપારી વર્તુળમાં ચકચાર પ્રસરી ગઈ હતી. શહેરની જાણીતી અને નામાંકિત સોની વેપારી પેઢીઓ પર એકસાથે દરોડા પાડવામાં આવતા સમગ્ર બજારમાં અજંપાભર્યા વાતાવરણ સાથે ફફડાટનો માહોલ જોવા મળતો હતો. પ્રાપ્ત વિગતોનુસાર આજે સવારથી વેરાવળના સટ્ટા બજારમાં આવેલ પરશુરામ દયારામ જવેલર્સના શોરૂમ ઉપર CGST વિભાગની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સાથે જ શહેરની જાણીતી અન્ય પેઢી શાહ નગીનદાસ ભગવાનદાસના બે અલગ અલગ સ્થળોએ પણ અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર કાર્યવાહી CGST જૂનાગઢ ડિવિઝનની ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી. આ સર્ચમાં જીએસટીના અધિકારીઓએ બંન્ને વેપારી પેઢીઓના હિસાબી દસ્તાવેજો, બિલ-બુક, કમ્પ્યુટર ડેટા તેમજ GST સંબંધિત રેકોર્ડની વિગતવાર ચકાસણી હાથ ધરેલ જે મોડી સાંજ સુધી ચાલુ હતી. GSTના દરોડાના સમાચાર પ્રસરતા જ વેરાવળની સોની બજારમાં ભારે હલચલ જોવા મળી હતી.
જેમાં ઘણા વેપારીઓ પોતાના શોરૂમ બંધ કરી દેતા બજાર વિસ્તારમાં અજંપાભરી શાંતિ જોવા મળતી હતી. આ સર્ચની કામગીરી મોડી સાંજ સુધી ચાલુ હોય જે પૂર્ણ થયા બાદ CGST અધિકારીક માહિતી જાહેર કરનાર હોવાનું જાણવા મળેલ છે. જીએસટીના પડેલા દરોડા બાદ અનેકવિધ ચર્ચાઓ વેપારી વર્તુળોમાં શરૂ થઈ છે. જે મુજબ જો સીજીએસટીની ટીમ શહેરના બિલ્ડરો, બિલ્ડીંગ મટીરીયલના વેપારીઓ અને સરકારી કન્સ્ટ્રક્શનના કામો કરતા કોન્ટ્રાક્ટરોની પેઢીઓને ત્યાં દરોડા પાડી તપાસ હાથ ધરશે તો મોટા પાયે કરચોરીનું એક સુવ્યવસ્થિત ચાલતા નેટવર્કનો પર્દાફાશ થવાની શકયતા રહેલી છે. આ ઉપરાંત થોડા સમય અગાઉ જીએસટીની ટીમોએ ટોબેકોનું વેચાણ કરતી અને અમુક હોટલ પાર્ટી પ્લોટોની પેઢીઓમાં ચેકિંગ કર્યું હતુ. તેવી રીતે સોમનાથ બાયપાસ તરફ તપાસનો દોર કેન્દ્રિત કરવામાં આવે તો મોટી સ્ફોટક વિગતો સામે આવવાની ચર્ચા થઈ રહી છે.


