શાપુર સરાળીયા, વાયા કુતિયાણા વાંસજાળીયા(પોરબંદર) ટ્રેનને શરૂ કરવા માટે પ્રથમ સર્વે તેમજ ફાઈનલ સર્વે સહિતના બે સર્વે થશે

જમીન સંપાદન બાદ બજેટમાં સમાવેશ કરવામાં આવશે : આવતા પાંચ વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થઇ જશે : કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયા

શાપુર સરાળીયા, વાયા કુતિયાણા વાંસજાળીયા(પોરબંદર) ટ્રેનને શરૂ કરવા માટે પ્રથમ સર્વે તેમજ ફાઈનલ સર્વે સહિતના બે સર્વે થશે

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૬
બાંટવા નગરપાલિકા કચેરીના નવનિર્મીત બિલ્ડીંગ, જવાહર ગાર્ડન અને એમ્બ્યુલન્સના લોકાર્પણ કાર્યક્રમમાં પોરબંદર સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા તારીખ ૧૫-૦૩-૨૦૨૬ને રવિવારના બાંટવા ખાતે જીલ્લા વહીવટી તંત્રના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વોઇસ ઓફ સોરઠના કન્વીનર રાકેશ લખલાણી, બાંટવા નગરપતિ સુનિલ જેઠવાણી, પૂર્વ નગરપતિ રાજકુમાર વાધવાણી, પૂર્વ નગરપતિ જીવાભાઇ કોડીયાતર, ગણપત મોરી, શહેર ભાજપ પ્રમુખ મયુરસિંહ ડોડીયા, ઉપપ્રમુખ રામાભાઈ ગરચર, બિલ્ડર્સ અશોક રામાણી સહિતના વિવિધ આગેવાનોએ શાપુર-સરાડીયા ૧૧૩ વર્ષ જૂની ટ્રેનને પુન: સ્થાપિત કરવા અને સરાડીયા વાયા કુતિયાણા વાંસજાળીયા (પોરબંદર) બ્રોડગેજ ટ્રેન આપવાની ભારતના કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ રેલવે બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત તા.૩-૮-૨૦૨૫ના રોજ ભાવનગર ખાતે જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે પ્રથમ સર્વે ગત ઓગસ્ટ માસ બાદ પૂર્ણ થયો હતો. આ અંગે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરતા તેમણે જણાવ્યું છે કે, આ પાંચ વર્ષનો પ્રોજેક્ટ છે. જેની રેલવેમંત્રીએ સૈધાન્તીક રીતે સ્વિકારીને સત્તાવાર જાહેરાત કરી દીધી છે. કેન્દ્ર સરકારે સૈદ્ધાંતિક રીતે સ્વીકારી જાહેરાત કર્યા બાદ હજુ ફાઈનલ સહિતના બે સર્વે બાકી છે, ત્યાર બાદ જમીન સંપાદન ની કાર્યવાહી હાથ ધરાશે. ત્યાર પછી રેલવે બોર્ડ મારફત બજેટમાં મૂકવામાં આવશે. ડો.મનસુખ માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ કામ ખૂબ જ મોટું છે, પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કામ નિયમ મુજબ થતું જ રહેશે. નિયમ મુજબની જમીન સંપાદન, નવા ટ્રેકની કામગીરી, તેનો ફાઈનલ સર્વે સહિતની પ્રક્રિયા કરવાની હોય છે, હું આ બાબતે સતત ચિન્તીત રહીને પ્રોજેક્ટ પૂર્ણ કરાવીશ, તેની ખાતરી પણ આપી હતી.
બાંટવા માણાવદર વિસ્તારમાં ઉદ્યોગને વેગ આપવા રજૂઆત બાંટવા માણાવદર વિસ્તારમાં નવા ઉદ્યોગ મળે તે માટે લેખિત બુકલેટ દ્વારા રજૂઆત પૂર્વ નગરપતિ રાજકુમાર વાધવાણી, નગરપતિ સુનીલ જેઠવાણી, ગણપત મોરી, વોઈસ ઓફ સોરઠના કન્વિનર રાકેશ લખલાણી સહિતના અગ્રણીઓએ મંત્રી ડો. મનસુખ માંડવીયાને રજૂઆત કરતા મંત્રીએ હકારાત્મક પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે, જમીન ઉપલબ્ધ થઈ શકશે, તેમજ પાણી ઉદ્યોગ માટે મળી શકશે, જેની આગેવાનોએ જાણ કરતા કહ્યું કે, બાંટવાના વિશાળ ખારા ડેમમાં વિશાળ પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. 
અને જમીન પણ ટોકનના ભાવે મળી શકશે. માત્ર આ વિસ્તાર ખેતી આધારીત જ હોય, જૂનાગઢ જિલ્લામાં એક પણ મોટા ઉદ્યોગો ન હોય, તેના કારણે લોકો અન્ય મહાનગરોમાં હિજરત કરી રહ્યા છે. ત્યારે આ સ્થળાંતર અટકાવવા અને ભાવિ પેઢી માટે આ વિસ્તાર ને ઉદ્યોગ મળે તેવી લેખિત રજૂઆત કરતા મંત્રીએ સ્વીકાર કરી હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. આ સંદર્ભે કેન્દ્રીય ઉદ્યયોગ મંત્રી પીયુષ ગોયલ સાથે પરામર્સ કરીશ તેમ પણ જણાવ્યું હતું.