વિશ્વાસ-સુરક્ષા અને પ્રમાણિકતા સ્થાપિત કરી વિકાસને ગતિ આપવામાં નોટરીની ખાસ ભૂમિકા: મુખ્યમંત્રી
ગાંધીનગર, તા.૧૫
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે પસંદગી પામેલા ૧૫૦૦થી વધુ એડવોકેટોને ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. રાજ્યમાં ઈ-નોટરી સિસ્ટમ વિકસાવવા માટે નોટરી પોર્ટલને લોન્ચ કરી, મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોઈપણ રાષ્ટ્ર કે રાજ્યના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કાયદાનું શાસન મહત્ત્વનો પાયો છે. અંગ્રેજાેના સમયના બિનજરૂરી કાયદાઓ રદ કરી કાનૂની પ્રક્રિયા સરળ બનાવાઈ છે. તેમણે ઉમેર્યું કે, કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ, સુરક્ષા અને પ્રમાણિકતા સ્થાપિત કરીને વિકાસને ગતિ આપવા માટે નોટરી તરીકેની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. કાયદાકીય પ્રણાલી અને અર્થતંત્રમાં વિશ્વાસનું નિર્માણ કરવા માટે દસ્તાવેજાેની ઓથેન્ટીસિટીનું દાયિત્વ નોટરીના શિરે છે. નોટરી દ્વારા નોટરાઈઝ કરેલા દસ્તાવેજાેને કાયદાકીય માન્યતા મળે છે તેમજ કોર્ટ અને અન્ય જગ્યાઓ ઉપર આ દસ્તાવેજની સ્વીકૃતિ સરળ બનાવવાથી લોકોનું ઈઝ ઓફ ડુઈંગ પણ વધે છે. કાનૂની વ્યવસ્થાઓને આધુનિક બનાવવા માટે ડિજિટલાઈઝેશન ઉપર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં શરૂ થયેલું નોટરી પોર્ટલ ડિજિટલ ભારતના સ્વપ્નને સાકાર કરતું વધુ એક કદમ છે. નવા પોર્ટલના પરિણામે નોટરીની નિમણૂક અને અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે.


