સોનમ વાંગચુકના સંપર્કમાં હતો પાકિસ્તાનનો જાસૂસ, DGP એ કહ્યું: સરહદ પાર મોકલાયા હતા વીડિયો
લેહના પોલીસ મહાનિર્દેશક જમ્વાલે પર્યાવરણપ્રેમી સોનમ વાંગચુકને લેહ હિંસા માટે જવાબદાર ઠેરવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
લદ્દાખ, તા.૩૦
લદ્દાખના પોલીસ મહાનિર્દેશક (DGP) એસ.ડી. સિંહ જમ્વાલે શનિવારે પર્યાવરણપ્રેમી સોનમ વાંગચુકને લેહ હિંસા માટે સંપૂર્ણપણે જવાબદાર ઠેરવતાં તેમના પાકિસ્તાન સાથેના સંબંધ અંગે દાવો કર્યો. તેમણે જણાવ્યું કે પોલીસએ વાંગચુકના સંપર્કમાં રહેલા પાકિસ્તાનના એક જાસૂસને થોડા સમય પહેલા જ ધરપકડ કરી હતી. તેણે વાંગચુકના વિરોધ પ્રદર્શનના વીડિયો સરહદ પાર મોકલ્યા હતા. ડીજીપીએ વાંગચુકની પાકિસ્તાન અને બાંગ્લાદેશ યાત્રાઓની પણ તપાસ થતી હોવાની માહિતી આપી.
તેમણે કહ્યું કે, જાેધપુર જેલમાં મોકલાયેલા સોનમે લદ્દાખમાં ચાલી રહેલા આંદોલનનો એક ખાસ એજન્ડા માટે ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે. વાંગચુકને પોલીસે શુક્રવારે લેહમાં હિંસા ભડકાવવાના આરોપ અને વિદેશી ફંડિંગના મામલામાં રાસુકા હેઠળ ધરપકડ કરી જાેધપુર જેલમાં મોકલ્યા છે.
લદ્દાખને રાજ્યનો દરજ્જાે આપવા અને તેને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગને લઈને ચાલી રહેલી ભૂખહડતાળનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ હડતાળ દરમિયાન બુધવારે લેહમાં હિંસામાં ચાર લોકોના મોત થયા હતા અને ૯૦થી વધુ ઘાયલ થયા હતા. વાંગચુકે પોતાની ધરપકડની આશંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે- મારી ધરપકડ એક સ્વતંત્ર સોનમ વાંગચુક કરતા ઘણી વધુ ખતરનાક સાબિત થશે.
લેહમાં પત્રકારો સાથેની વાતચીતમાં ડીજીપી એસ.ડી. સિંહ જમ્વાલે જણાવ્યું કે વાંગચુકના સંપર્કમાં રહેલા પાકિસ્તાની જાસૂસે લેહમાં થયેલા પ્રદર્શનના વીડિયો સરહદ પાર મોકલ્યા છે. અમારા પાસે તેનો સંપૂર્ણ રેકોર્ડ છે. તેમની પાકિસ્તાન અને બાંગ્લાદેશ યાત્રાઓની પણ તપાસ ચાલી રહી છે. તેઓ પાકિસ્તાનના એક મોટા મીડિયા સંસ્થા દ ડાન તરફથી આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. તેમના વિરુદ્ધની તપાસમાં ઘણી બાબતો સામે આવી રહી છે, જે હાલ જાહેર કરી શકાતી નથી. ડીજીપીએ દાવો કર્યો કે બુધવારની હિંસા માટે સોનમ સંપૂર્ણપણે જવાબદાર છે. તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ અને ઇતિહાસ જુઓ, યુટ્યુબ પર તેમના વીડિયો જુઓ તો તમને સમજાશે.
તેમનો પોતાનો એક એજન્ડા છે. તેમણે અરબ સ્પ્રિંગ અને નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં તાજેતરમાં થયેલી અશાંતિ અને હિંસાનો જે રીતે ઉલ્લેખ કર્યો છે, તે તેમના એજન્ડાનો જ એક ભાગ છે. તેઓ લદ્દાખમાં ચાલી રહેલા આંદોલનને વાળવી અને કેન્દ્ર તથા લદ્દાખના પ્રતિનિધિઓ વચ્ચેની વાર્તાલાપ પ્રક્રિયાને નિષ્ફળ બનાવવા કાવતરું કરી રહ્યા હતા.
ડીજીપી અનુસાર, વાંગચુકે લદ્દાખમાં ચાલી રહેલા આંદોલનને પોતાના હિત માટે હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો અને કેન્દ્ર-લદ્દાખ વચ્ચેની વાતચીતને ખોરવી નાખી.
પોલીસ મહાનિર્દેશકે બુધવાર, ૨૪ સપ્ટેમ્બરની હિંસા અંગે જણાવ્યું કે અનશન સ્થળે અચાનક ભીડ વધી ગઈ, જેમાં અનેક અસામાજિક તત્ત્વો સામેલ હતા. લગભગ પાંચ-છ હજાર પ્રદર્શનકારીઓએ શહેરમાં પ્રદર્શન શરૂ કરી દીધા અને હિંસા પર ઉતરી આવ્યા. જે ઈમારતને સળગાવવામાં આવી હતી, ત્યાં ત્રણ મહિલા પોલીસ અધિકારી પણ ફસાઈ ગયા હતા. એટલા મોટા હુમલાથી પોતાને બચાવવા માટે સુરક્ષાબળને આત્મરક્ષામાં ગોળી ચલાવવી પડી. લાઠીચાર્જ, પથ્થરમારો અને આગજનીમાં ૭૦ લોકો, ૧૭ CRPF જવાન અને ૧૫ પોલીસકર્મી ઘાયલ થયા છે. હિંસા ફેલાવવાના કેસમાં ૪૪ લોકોને ધરપકડ કરવામાં આવી છે.
વિદેશી ફંડિંગના મુદ્દે પોલીસ મહાનિર્દેશકે જણાવ્યું કે સોનમની સંસ્થાને ક્યાંથી નાણાકીય ફંડિંગ મળી રહ્યું હતું અને તેનો તેઓ કેવી રીતે ઉપયોગ કરી રહ્યા હતા, તે બધું જ તપાસનો વિષય છે. ઉપરાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તાની બુધવારની હિંસામાં વિદેશી સજ્જિશ અંગેની ટિપ્પણી પર ડીજીપી જમ્વાલે જણાવ્યું કે ત્રણ નેપાળી નાગરિકોને ગોળી વાગતાં તેઓ હોસ્પિટલમાં દાખલ છે. લેહમાં નેપાળના મજૂરો મોટી સંખ્યામાં કામ કરે છે, જાે તેઓ કોઈ સજ્જિશનો ભાગ છે કે નહીં તે કહી શકાતું નથી.
લેહમાં થયેલી હિંસા અને આગજની ઘટનામાં પોલીસને વૉન્ટેડ ચાર આરોપીઓએ શનિવારે સ્થાનિક અદાલતમાં આત્મસમર્પણ કર્યું. તેમાં લેહ સ્વાયત્ત પર્વતીય વિકાસ પરિષદના બે પારષદો પણ સામેલ છે. ચારેયને પોલીસ હિરાસતમાં મોકલવામાં આવ્યા છે.
સંબંધિત અધિકારીઓએ જણાવ્યું કે અદાલતમાં આત્મસમર્પણ કરનારા ચાર આરોપીઓમાં પારષદ સ્ટેન્જિન સેપાગ અને સ્માનલા દોર્જે નોર્બુ સામેલ છે. આ બંને વિરુદ્ધ FIR દાખલ છે.


