સોમનાથમાં ડીમોલેશનમાં થયેલ પથ્થરમારા મામલે ૧૭ના નામજાેગ સહિત ૧૦૦ના ટોળા સામે ગુનો નોંધાયો, ૧૩ની ધરપકડ કરાઈ
ધાર્મિક દબાણ હટાવવાની કામગીરી અટકાવવા આવેલ ટોળામાંથી પથ્થરમારો થતા બે પોલીસકર્મીઓ ઘવાયેલ : નાયબ મામલતદારની ફરીયાદના આધારે ટોળા સામે ફરજ રૂકાવટ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.૧ર
સોમનાથમાં સરકારી જમીન પર ખડકાયેલા ૧૧ જેટલા ધાર્મીક, રહેણાક અને વાણિજ્ય હેતુના ગેરકાયદેસર બાંધકામોના દબાણો દુર કરવા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરી દરમ્યાન દરગાહના ડિમોલિશન સમયે પરિસ્થિતિ વણસી હતી. જેમાં આસપાસના વિસ્તારોમાંથી ધસી આવેલા લોકોના ટોળાએ તંત્રની કામગીરીનો વિરોધ કરીને અટકાવવા હેતુસર ઉગ્ર બોલાચાલી કરી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના ત્રણ સેલ પણ છોડયા હતા. આ ટોળાના પથ્થરમારામાં પ્રભાસપાટણ પોલીસના પીઆઈ એમ.વી. પટેલ અને હેડ કોન્સ. કુલદીપસિંહ પરમારને પથ્થરો વાગી ગયા હોવાથી ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને તાત્કાલિક સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈ સ્થળ પર દોડી આવેલા એસપી જયદીપસિંહ જાડેજાએ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તોફાની તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. બાદમાં તંત્રએ ડીમોલેશનની કામગીરીના કરેલ રેકોર્ડિંગના વીડિયો ફુટેજાેની તપાસ કરી તોફાની તત્વોની ઓળખ મેળવી હતી. આ ઘટના અંગે નાયબ મામલતદાર રણજીતસિંહ ખેરએ કરેલ ફરિયાદના આધારે પોલીસે રફીક ગઢિયા ઉર્ફે ગરીયો, શબાના હારુન મોઠીયા, રજીયા હુસેન કાલવાત, સાકિલ ઉર્ફે ભૂરો, ગુલામ સાબીર ડોક્ટર, રાજુશા હિનફશા બાનવા, શકીલ ઉર્ફે ગલી કાલવાત, ઓબામા સાઇન કોલોની વાળો, નદીમ કાલવાણીયા, અયુબ બદામ, રફિક ઉર્ફે બોદુ, શબ્બીર મૌલાના, સુફિયાન કાલવાણીયા, મયુદીન હનીફ ગોહેલ, આમદ મહમદ મહિડા, સબ્બીર ઇકબાલ ભાદરકા, સબ્બીર જાન હારુનભાઇ સહિત ૧૭ ના નામજાેગ સહિત આશરે ૧૦પ સ્ત્રી-પુરૂષોના તોફાની ટોળા વિરુદ્ધ બીએનએસની કલમ ૧૮૯(૨), ૧૮૯(૩), ૧૮૯(૫), ૧૯૦, ૧૯૧(૨), ૧૯૫(૧), ૧૨૫, ૧૨૧(૧) જી.પી.એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધેલ છે. પોલીસે તોફાની તત્વોને પકડી પાડવા માટે તાત્કાલિક કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. જાે કે, મોટાભાગના આરોપીઓ ઘટના બાદ નાસી છૂટ્યા હોવાથી જુદી જુદી ટીમો બનાવી ટેકનીકલ સોર્સના આધારે શોધખોળ હાથ ધરી ૧૩ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. તો બીજી તરફ ડીમોલેશનના લઈ તંત્રએ સ્પષ્ટ સંદેશો આપતા જણાવેલ કે, સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી યથાવત ચાલુ રહેશે અને કાયદો હાથમાં લેનાર તેમજ
સરકારી કર્મચારીઓ પર હુમલો કરનાર તોફાની તત્વો સામે કડક પગલાં ભરવામાં આવશે.


