અંબાજી મંદિરમાં દારૂ - ચીકનની પાર્ટી કરનાર તત્વોની ધરપકડ કેમ નથી થઈ ?
છેલ્લા ઘણા સમય થયા અંબાજી મંદિરમાં વહીવટદાર શાસન : શહેર મામલતદાર હોદાની રૂએ કાર્યભાર સંભાળી રહયા છે
જૂનાગઢ તા. ૧૩ :
લાખો શ્રધ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્ર એવા ગીરનાર પર્વત પર બીરાજમાન અંબાજી માતાજીનાં મંદિરનાં ભંડારા સમયે જ દારૂ અને ચીકન પાર્ટીની મીઝબાની થઈ હોવાનો વિડીયો વાયરલ થયાને પગલે તેના ઘેરા અને ઉગ્ર પ્રત્યઘાતો પડયા છે. ધાર્મિકતાને લાંછન લગાવનારા જે કોઈ હોય તેની સામે તત્કાલ અને કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે. હાલ આ સમગ્ર ઘટના કઈ રીતે બની, વિડીયો તેનો કઈ રીતે વાયરલ થયો અને વિડીયોમાં દેખાનારા તત્વો કોણ છે? કઈ રીતે દાખલ થયા તે તમામ બાબતે હાલ તપાસનો ધમધમાટ ચાલી રહયો છે. જીલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયાની સુચના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ આ કામગીરીની સાથે સાથે અનેક પ્રકારનાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ખાસ કરીને એક ધાર્મિક સંસ્થાન કે જયાં વહીવટદાર શાસન ચાલતુ હોય અને તેવા સંજાેગોમાં મંદિરનાં ભંડારા વખતે જ ચીકન પાર્ટી થાય તો તેમાં બેદરકારી અને જવાબદારી કોની? તેવો સવાલ આજે ચર્ચાનો વિષય બન્યો છે. ઉપરાંત દારૂ - ચિકનની પાર્ટી કરનારા તત્વોની ધરપકડ કેમ થતી નથી તેવો સવાલ ઉઠવા પામ્યો છે.
સમગ્ર ગીરનાર ક્ષેત્રમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવો
ગરવા ગીરનાર પર પ૦૦૦ પગથીયા ઉપર બીરાજતા અંબાજી માતાજી મંદિર કે જે દેશની પર શકિતપીઠ પૈકીની ઉદયન શકિતપીઠ મનાય છે. અને તેનું ખુબ જ મહત્વ છે. લાખો અને કરોડો ભાવિકો અંબાજી માતાજી પ્રત્યે અખુટ શ્રધ્ધા ધરાવે છે. આસ્થાનાં આ કેન્દ્રસમા ધર્મસ્થાન ઉપર વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. રોપ-વે થયા બાદ દર્શનાર્થીઓની સંખ્યામાં પણ ભારે વધારો થયો છે. દરમ્યાન અંબાજી મંદિરનાં ભંડારામાં ચીકન પાર્ટીની મીઝબાની થયાનું બહાર આવ્યાનાં પગલે સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાય છે. આ સાથે તકેદારીનાં વધારે પગલા લેવાની પણ જરૂર છે. દેશનાં પ્રથમ દ્રાદશ જયોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિરની ફરતે જે રીતે અભેદ્ય સુરક્ષા કવચ રાખવામાં આવેલ છે તેમજ મંદિરમાં દર્શને જતાં ભાવિકોનું ત્રણથી ચાર જગ્યાએ લાઈવ ડીટેકટર દ્વારા ચેકીંગ કરવામાં આવે છે તેવી જ રીતે ગીરનાર ક્ષેત્રમાં તેમજ અંબાજી મંદિરે જનારા લોકો માટે પણ ગોઠવવી પડશે. અંબાજી મંદિરનાં સીડીનાં પ્રવેશ દ્વારથી તેમાં ખાસ કરીને રોપ-વેમાં જતાં યાત્રાળુઓ પ્રવાસીઓનું પણ સઘન ચેકીંગ કરવું જરૂરી બનશે અને આગામી દિવસોમાં આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ પ્રવર્તી રહી છે.
ગિરનાર પર પ્લાસ્ટીક લઈ જવા ઉપર પ્રતિબંધ છે તો ભંડારામાં દારૂ અને ચીકન પહોંચ્યા કેવી રીતે ?
જૂનાગઢ તા. ૧૩
પવિત્ર યાત્રાધામ એવા ભવનાથ અને ગીરનાર ક્ષેત્રમાં પ્લાસ્ટીક લઈ જવા ઉપર તંત્ર દ્વારા કડક પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને આ અંતર્ગત કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે આજે સવાલ એ ઉઠવા પામ્યો છે કે પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ હોવા છતાં જૂનાગઢનાં ભવનાથ ક્ષેત્રમાં આવેલ સુપ્રસિધ્ધ અંબાજી મંદિરમાં તાજેતરમાં દારૂ અને ચીકની પાર્ટી યોજાઈ હોવાનાં વિડીયો વાયરલ થયા છે. વિશેષમાં ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટીક લઈ જવાનો પણ પ્રતિબંધ છે ત્યાં દારૂ અને ચીકન મંદિરમાં પહોંચ્યા કઈ રીતે ? તેવો સવાલ લોકોમાંથી ઉઠવા પામ્યો છે.


