શાળાઓમાં વંચિત વર્ગ માટેના 25 ટકા RTE કવોટાને રાષ્ટ્રીય અભિયાન બનાવો : સુપ્રિમ કોર્ટ
(એજન્સી) નવી દિલ્હી,તા.29:
સ્કૂલોમાં વંચિત વર્ગો માટે 25 ટકા RTE ક્વોટાને ‘રાષ્ટ્રીય અભિયાન‘ ગણાવી સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે, સ્થાનિક ખાનગી સ્કૂલો વિલંબ વગર શિક્ષણ અધિકાર ધારા (RTE) હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બંધારણીય અને કાનૂની રીતે બંધાયેલી છે. પ્રી-પ્રાઈમરી ક્લાસમાં એડમિશનને રાષ્ટ્રીય અભિયાન બનાવવા પર ભાર મૂકી સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, સરકાર વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરીને મોકલે તે પછી સ્કૂલો પાસે પ્રવેશ આપવા સિવાય બીજો કોઇ વિકલ્પ હોતો નથી.
ન્યાયાધીશ પી એસ નરસિહા અને આલોક આરાધેની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે, સરકારનું અનુદાન ન મેળવતી નજીકની સ્કૂલો ઇ્ઈ માળખા હેઠળ વિદ્યાર્થીઓને વિલંબ વગર પ્રવેશ આપવા બંધાયેલી છે. આવા પ્રવેશનો ઇનકાર બંધારણની કલમ 21A હેઠળના શિક્ષણના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.ચુકાદામાં જણાવાયુ હતું કે RTE ધારા, 2009ની કલમ 12 હેઠળ સમાજના નબળા અને વંચિત વર્ગના બાળકોને 25 ટકા સુધી પ્રવેશ આપવાની જોગવાઈ સમાજના સામાજિક માળખાને બદલવાની અસાધારણ ક્ષમતા ધરાવે છે. આ જોગવાઇનો નિષ્ઠાપૂર્વક અમલ પરિવર્તનશીલ પગલું છે. કલમ 21A હેઠળના અધિકારની બંધારણીય ઘોષણા, ત્યારબાદ કાયદાની કલમ 3 હેઠળ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ માટેના આદેશને તેને અસરકારક અમલથી સાકાર કરી શકાય છે. ન્યાયાધીશ નરસિહાએ જણાવ્યું હતું કે આવા વિદ્યાર્થીઓના પ્રવેશની ખાતરી કરવી એ એક રાષ્ટ્રીય મિશન અને સ્થાનિક સત્તાવાળાઓની ફરજ છે. લખનૌ પબ્લિક સ્કૂલ એલ્ડિકોની અપીલને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.


