આરોગ્ય વિમો ધરાવતા દર્દીઓને રાહત : વિમા કંપનીઓએ માત્ર એક કલાકમાં મંજુરી દેવી પડશે
(એજન્સી) નવી દિલ્હી,તા.૨૭:
આરોગ્ય વીમા ધરાવતા દર્દીઓને હવે સારવાર અને હોસ્પિટલમાંથી રજા માટે લાંબી રાહ જોવી પડશે નહીં. વીમા નિયમનકાર IRDAIએ નવા નિયમો સ્થાપિત કર્યા છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે પોલિસીધારકોને જરૂરી સહાય પૂરી પાડવા માટે, IRDAIએ કેશલેસ આરોગ્ય વીમા દાવાઓની પ્રક્રિયા માટે સમયરેખા નક્કી કરી છે. IRDAI એ એક કલાકમાં કેશલેસ પૂર્વ-અધિકૃતતા મંજૂરી અને ત્રણ કલાકમાં અંતિમ અધિકૃતતા માટે સમયરેખા નક્કી કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આવી સમયરેખા નક્કી કરવાનો હેતુ વિલંબ ઘટાડવાનો અને દર્દીઓને સમયસર સારવાર મળે તે સુનિતિ કરવાનો છે. બીજી તરફ, આરોગ્ય વીમા ક્ષેત્ર ઝડપથી વધી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ આરોગ્ય વીમા પ્રીમિયમ રૂ.૧.૨ લાખ કરોડથી વધુ થવાનો અંદાજ છે, જેનો વિકાસ દર આશરે ૯% છે.


