ગુજરાત સરકારની જીપીસીબીની ગંભીર બેદરકારી અંગેના આક્ષેપો બાંગ્લાદેશે જેને પ્રવેશની મનાઇ ફરમાવી હતી તે હજારો ટન ઝેરી પાઉડર સાથેનું જહાજ અલંગ આવ્યું
અમદાવાદ તા.ર૪
ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાંથી પર્યાવરણ અને માનવ આરોગ્ય સાથે ચેડાં કરતો એક અત્યંત ચોંકાવનારો પર્દાફાશ થયો છે. બાંગ્લાદેશમાં પ્રવેશબંધી પામેલા ‘કોરિયન ફ્લેગ LNG યોગ’ નામના જહાજને અલંગ લાવવામાં આવ્યું હતું. બાવળાના સામાજિક કાર્યકર દ્વારા RTI હેઠળ માગવામાં આવેલી માહિતીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ગંભીર બેદરકારી સામે આવી હોવાનો આક્ષેપ થયો છે. સામાજિક કાર્યકર પ્રફુલ મહેતાનો દાવો છે કે તપાસ દરમ્યાન સોશિયાના પ્લોટ નંબર ૮૮ (મેસર્સ આતમ મનોહર શિપ બ્રેકર્સ) ખાતે આશરે ૫૬૭ મેટ્રિક ટન જેટલો અત્યંત ઝેરી પર્લાઇટ (Perlite) પાવડર ૩ કિલોમીટર સુધી દરિયાકાંઠે અને પાણીમાં ફેલાયેલો મળી આવ્યો હતો. આ ઉપરાંત ગ્લાસ વૂલ અને ઓઈલી વેસ્ટ પણ મળી આવ્યો હતો. આ પાવડર માણસના શ્વાસમાં જવાથી આંખો, ગળા અને ફેફસાંની ગંભીર બીમારીઓ થઈ શકે છે. SOPના ભંગ બદલ GPCBએ જળ પ્રદૂષણ નિવારણ અધિનિયમની કલમ ૩૩(A) હેઠળ નોટિસ તો આપી હતી પરંતુ અંદાજે ૨૮ ટ્રક જેટલો આ ઝેરી કચરો ક્યાં મોકલાયો તે અંગે મૌન સેવ્યું છે. તંત્રએ સંપૂર્ણ તપાસ વિના જ ભંગાર માટે મંજૂરી આપતા પર્યાવરણ અને માનવ આરોગ્ય સામે મોટું જાેખમ ઊભું થયું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પર્લાઇટ પાવડરનો ઉપયોગ સામાન્ય રીતે ગેસ કે અન્ય અત્યંત ઠંડા પ્રવાહી વહન કરતાં જહાજાે (LNG વેસલ્સ)માં તાપમાન જાળવી રાખવા માટે થાય છે. જાે કે તે સીધું કેમિકલ કે ઝેર નથી, પરંતુ જ્યારે આટલી મોટી માત્રામાં પાવડર સ્વરૂપે તે હવામાં ફેલાય ત્યારે શ્વાસમાં જવાથી ફેફસાં અને શ્વાસનળીને કાયમી ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત તેના કણો આંખમાં પડવાથી તીવ્ર બળતરા, ઉધરસ કે આંખોમાં સ્ક્રેચ જેવી ગંભીર આડઅસરો થઈ શકે છે. RTI હેઠળ માહિતી માગનાર સામાજિક કાર્યકર પ્રફુલ મહેતાએ જણાવ્યું કે જે તે સમયે ‘ભાવનગરના અલંગ ખાતે પ્લેંગ એલ.એન.જી. નામનું એક જહાજ આવ્યું. જેને લઈને બાંગ્લાદેશની શિપિંગ યાર્ડે પણ એક લેટર જાહેર કરેલો કે એની અંદર કોઈ પાવડર હોવાના જાણ થવાના કારણે એણે પોતાની પ્રિમાઈસીસમાં આવવાની ના પાડી હતી. એટલે મેં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની અંદર જે તે સમયે એના અધિકારીઓને મૌખિક રજૂઆત કરેલી હતી કે આનો તપાસ રિપોર્ટ જ્યારે બનાવો તો ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવું. ત્યાર પછી મેં RTI કરીને સંપૂર્ણ વિગત માંગેલી. જેમાં વિગતોમાં ગોળ ગોળ જવાબ આપતા મેં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરીથી અપીલ કરી તો, અપીલની તપાસ રિપોર્ટમાં એવું જાણવા મળેલું હતું કે આ જે જહાજ આવ્યું હતું એની અંદર કેટલીક વસ્તુઓ મળી હતી. પણ છેલ્લી લાઈનમાં એવો એક ઉલ્લેખ કર્યો હતો કે તેની અંદર પર્લાઇટ (Perlite) નામનો ૫૬૭ મેટ્રિક ટન પાવડર હતો. જે પાવડર અંગે રિસર્ચ કરતા ખુલાસો થયો હતો કે તે પાવડર જાે કોઈ માણસની આંખમાં જાય તો આંખોમાં નુકસાન થઈ શકે છે. સ્ક્રેચ પડે અને લાલાશ આવે છે. અને જાે કોઈ માણસ વધારે પડતા આ પાવડરના સંપર્કમાં આવે તો તેને ફેફસાના અને અન્ય બીજા પણ રોગો થવાની શક્યતા વધી જાય છે.‘ આ ગંભીર બેદરકારી સામે GPCB દ્વારા નિયમોના સરેઆમ ઉલ્લંઘન બદલ અલંગના પ્લોટ નંબર ૮૮ (આતમ મનોહર શિપ બ્રેકર્સ)ને તાત્કાલિક અસરથી બંધ કરવા માટે ‘ક્લોઝર નોટિસ‘ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત પર્યાવરણને નુકસાન પહોંચાડવા અને કચરાનો ગેરકાયદેસર નિકાલ કરવા બદલ કંપનીને દંડ પણ ફટકારાયો હતો. પરંતુ, ગેરકાયદે ફેંકાયેલા કચરાના ચોક્કસ લોકેશન અને આ કૌભાંડમાં સંડોવાયેલા જવાબદારો સામે કોઈ ઊંડી તપાસ ન કરાઈ હોવાનો પર્યાવરણવાદીઓએ આક્ષેપ કર્યો છે. GPCB દ્વારા કરાયેલી આ કાર્યવાહી માત્ર ‘કાગળ ઉપર‘ અને પોકળ હોવાનો દાવો સામાજિક કાર્યકરો અને RTI એક્ટિવિસ્ટ્સ કરી રહ્યા છે. આટલો મોટો ૫૬૭ મેટ્રિક ટન (આશરે ૨૮ ટ્રક જેટલો) ઝેરી કચરો ખુલ્લામાં કે દરિયાકાંઠે ફેંકી દેવાયો ત્યાં સુધી જવાબદાર સ્થાનિક અધિકારીઓએ કેમ કોઈ ધ્યાન ન આપ્યું ? તે સળગતો સવાલ હજુ પણ અનુત્તરીત જ છે.


