શિક્ષકોના પગારમાં અનિયમિતતા સામે રોષ  પ્રાથમિક શૈક્ષણિક સંઘ દ્વારા ડીડીઓને આવેદનપત્ર

શિક્ષકોના પગારમાં અનિયમિતતા સામે રોષ  પ્રાથમિક શૈક્ષણિક સંઘ દ્વારા ડીડીઓને આવેદનપત્ર

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.14
પોરબંદર જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકોના પગાર સમયસર ન થતા હોવાના મુદ્દે શિક્ષકોમ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે પ્રાથમિક શૈક્ષણિક સંઘ પોરબંદર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી(ડ્ઢર્ડ્ઢં), જિલ્લા પંચાયત, પોરબંદરને એક આવેદન પત્ર પાઠવીને પ્રાથમિક શાળાના શિક્ષકોનો પગાર દર મહિનાની નિયત સમય મર્યાદામાં કરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
નિયમ છતાં પગારમાં કેમ વિલંબ ?
આવેદન પત્રમાં સંગઠન દ્વારા સ્પષ્ટ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, નિયમ મુજબ પોરબંદર જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકોનો પગાર દર મહિનાની 3 થી 5 તારીખ સુધીમાં થઈ જવો જોઈએ પરંતુ મોટે ભાગે આવું થતું નથી અને પગારમાં સતત વિલંબ થાય છે. પગાર એ કર્મચારીની સેવા વિષયક અત્યંત મહત્વની બાબત છે. જ્યારે રાજ્ય કક્ષાએથી અગાઉના મહિનામાં જ ગ્રાન્ટ સમયસર મળી જતી હોય, ત્યારે સ્થાનિક સ્તરે પગારમાં થતી આ અનિયમિતતા એ ઉપલા અધિકારીઓની સૂચનાઓનું સરેઆમ ઉલ્લંઘન દર્શાવે છે.
તંત્રની બેવડી નીતિ સામે સવાલ
શિક્ષક સંઘે તંત્રની કામગીરીની પદ્ધતિ સામે સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે, વહીવટી તંત્ર દ્વારા તાબા હેઠળના કર્મચારીઓ (શિક્ષકો) પાસેથી શૈક્ષણિક અને અન્ય વિવિધ કામગીરીઓ તદ્દન સમય મર્યાદામાં પૂર્ણ કરાવવાની અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ જ્યારે અધિકારીઓએ પોતાની વહીવટી જવાબદારી નિભાવવાની હોય, ત્યારે જો આવી બેદરકારી દાખવવામાં આવે તો શિક્ષકો પાસેથી રાખવામાં આવતી સમયપાલનની અપેક્ષા કેટલી વ્યાજબી? આવી બાબતો વારંવાર રજૂ કરવી સંઘને યોગ્ય લાગતી નથી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા આવી અનિયમિતતાનું પુનરાવર્તન થાય તે જરાય વ્યાજબી નથી.
સમયસર પગાર ચૂકવવા સંઘની માંગ
આવેદન પત્રના અંતમાં શિક્ષક સંઘના અધ્યક્ષ લાખાભાઈ ચુંડાવદરા અને મહામંત્રી વેજાભાઈ કોડિયાતરની સહી સાથે ઉપસ્થિત તમામ શિક્ષકોએ જિલ્લા વિકાસ અધિકારીને વિનંતી સહ ઉગ્ર માંગ કરી છે કે, શિક્ષકોના આર્થિક હિત અને માનસિક શાંતિને ધ્યાને રાખીને આગામી સમયમાં દર મહિને સમયસર પગાર થઈ જાય તે માટે સંબંધિત વિભાગને તાકીદે યોગ્ય સૂચનાઓ આપવામાં આવે.