૧૭ ફેબ્રુઆરીએ ગુજરાતની નવી મતદારયાદી બહાર પડશે : ૭૩ લાખ નામો કપાયા : કુલ મતદારો ૪.૩પ કરોડ
(બ્યુરો) ગાંધીનગર તા.૧૩:
ગુજરાતમાં ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂર્ણ થયા બાદ રાજ્યની આખરી મતદાર યાદી આગામી મંગળવારે પ્રસિદ્ધ કરવામાં આવશે તેવા અહેવાલો છે. આ નવી યાદીમાં કુલ મતદારોનો આંકડો અંદાજે ૪.૩૫ કરોડની આસપાસ રહેવાની સંભાવના છે, જે અગાઉની યાદી કરતા લગભગ ૭૨ લાખ જેટલો ઓછો હોવાની વિગતો છે. મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાએ જણાવ્યું હતું કે, સુધારણા પ્રક્રિયા દરમિયાન મળેલી તમામ અરજીઓની ઝીણવટભરી તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે. અગાઉ જાહેર કરાયેલી ડ્રાફટ યાદીમાં ૪.૩૪ કરોડ મતદારો નોંધાયા હતા, જેમાં નવા
નોંધાયેલા મતદારોના ઉમેરા સાથે આખરી આંકડામાં સામાન્ય વધારો જોવા મળી શકે છે.
આ સુધારણા પ્રક્રિયા દરમિયાન રાજ્યની મતદાર યાદીમાંથી કુલ ૭૩.૭૩ લાખ નામો દૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં મુખ્યત્વે મૃત્યુ પામેલા મતદારો, અન્ય સ્થળે કાયમી સ્થળાંતર કરી ગયેલા લોકો અને ડુપ્લિકેટ એન્ટ્રીઓનો સમાવેશ થાય છે.


