સાસણ ગીરમાં ‘સિંહ દર્શન’ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
જૂનાગઢ તા. ર૯ : ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણ ગીર ખાતે ગીર જંગલ સફારીની મુલાકાત લઈ અને સિંહ દર્શનનો લાભ લીધો હતો. ખુલ્લા જંગલમાં વિહરતા વનરાજાેને નિહાળી મુખ્યમંત્રીએ ખુશીપો વ્યકત કર્યો હતો. અને આનંદીત બન્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે જૂનાગઢ ખાતે વિકાસ કામોનાં લોકાર્પણ કર્યા બાદ સાસણની મુલાકાત લીધી હતી. અને જયાં ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતાં. નિર્ભય મુકતરીતે વિહરતા સિંહ સહીતનાં વન્ય જીવો નિહાળી તેઓ આનંદીત બન્યા હતાં. ગીર અને સમગ્ર સૌરાષ્ટ્રનાં સિંહોની વસાહતવાળા વિસ્તારમાં વર્ષ ર૦રપની વસ્તી ગણતરી પ્રમાણે ૮૯૧ સિંહ નિવાસ કરે છે. ગીર સફારી પાર્ક અને સંલગ્ન વિસ્તારમાં હાલ પ્રવાસીઓનાં જંગલ મુલાકાત અને વન્ય જીવ દર્શનનાં ૧૩ રૂટ કાર્યરત છે. સાસણની મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીને નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરે સાસણમાં વન વિભાગ દ્વારા સિંહ અને વન્ય જીવોનાં સંરક્ષણની કામગીરીની માહિતી પણ આપી હતી.





