જૂનાગઢનાં ગૌરવપૂર્ણ વારસાને યાદ કરવા તેમજ તેના પ્રત્યે શહેરીજનોમાં જનજાગૃતિ લાવવા માટે જૂનાગઢ મનપા દ્વારા હેરીટેજ વોક કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ શહેરમાં આગામી દિવસોમાં પણ આ પ્રકારે હેરીટેજ વોકના કાર્યક્રમો યોજવામાં આવશે
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૮
શહેરી વિકાસ વર્ષ અન્વયે મહાનગરપાલિકા, જૂનાગઢ દ્વારા અનેક પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે પરત્વે શહેરીજનોની આરોગ્યલક્ષી સુખાકારી જળવાઈ રહે તેમજ લોકોમાં જૂનાગઢ શહેરના ગૌરવપૂર્ણ વારસાને યાદ કરવા તેમજ તેના પ્રત્યે શહેરીજનોમાં જન જાગૃતિ આવે તે હેતુથી મહાનગર પાલિકા, જૂનાગઢ દ્વારા તા.૨૭-૧-૨૦૨૬ મંગળવારના રોજ સવારે ૭ કલાકે માન.કમિશનર તેજસ પરમાર,નાયબ કમિશનર ડી.જે.જાડેજા, કાર્યપાલક ઈજનેર (વો.વ) અલ્પેશભાઈ ચાવડા, સ્વચ્છતા બ્રાંડ એમ્બેસેડર અમિતભાઈ ચરાડવા, ડો. કે.પી. ગઢવી, ડો. રક્ષિત પીપળીયા, સવાણી હેરીટેજના ગાઈડ વગેરે મહાનુભવો તેમજ શહેરીજનોની ઉપસ્થિતિમાં હેરીટેજ વોક યોજાય. આ હેરીટેજ વોકની દાણાપીઠ ખાતેથી શરૂઆત કરી સર્કલ ચોકથી ચોકસી બજારથી માંડવી ચોકથી શાકભાજી માર્કેટથી જુનો રોયલ ગેટથી પહેલા બાબી નવાબનું રાજ્યાભિષેક સ્થળથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાથી દીવાન ચોકથી રંગમહેલથી મોટી હવેલીથી દરબાર હોલથી લીમડા ચોકથી જૈન દેરાસરથી જગમાલ ચોકથી જૈન ઉપાશ્રયથી શ્રી રામજી મંદિરથી ઉપરકોટ કિલ્લા ગેટ ખાતે પૂર્ણ કરવામાં આવેલ. આ તકે કમિશનર તેજસ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું કે, આપણે સૌ જાણીએ છીએ તેમ જૂનાગઢ એક પૌરાણિક શહેર છે. આપણો ઇતિહાસ અઢી હજાર વર્ષોથી વધારે જૂનો છે. સાથે સાથે ઐતિહાસિક નગરી પણ છે અને ઘણા બધા ઐતિહાસિક સ્થાપત્યો અલગ અલગ સમયે અહીંયા બનેલા છે. જેનું બાંધણી, જેનું અંદરનું સ્ટ્રક્ચર એ ખૂબ જ પ્રખ્યાત છે. સાથે સાથે તેની સાથે ઘણી બધી ઐતિહાસિક વાતો પણ જોડાયેલી હોય છે, જે ઘણા બધા લોકોને ખબર નથી હોતી. એટલે અન્ય શહેરોમાં જે રીતે હેરીટેજ વોક(Heritage Walk) કરવામાં આવે છે અને પોતાના સ્થાપત્યને જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે, તે રીતે જૂનાગઢમાં પણ આપણે આ રીતે એક હેરીટેજ વોકનું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ. તેની ટ્રાયલ રન(Trial Run) તરીકે આજે આપણે એક હેરીટેજ વોક સર્કલ ચોક, લીમડા ચોક, દિવાન ચોક, જગમાલ ચોક અને ઉપરકોટ ખાતે કરવામાં આવી હતી. સવાણી હેરીટેજ કે જે આપણું ઉપરકોટનું મેન્ટેનન્સ સંભાળે છે, તેમના ગાઈડ પણ સાથે જોડાયા હતા અને ‘અતુલ્ય વારસો‘ સંસ્થા આ રીતે હેરીટેજ વોકનું આયોજન અન્ય જગ્યાએ કરે છે, તેનો પણ આમાં થોડો સહયોગ આપણને મળેલો છે. આ હેરીટેજ વોકનો મુખ્ય આશય એ છે કે, અહીંયા જે આવતા પ્રવાસીઓ છે. તે અને આપણી નવી પેઢી એ જૂનાગઢના ઇતિહાસને જાણે અને એના માટે આ રીતે ટ્રાયલ રન કરવામાં આવી હતી. નાગરિકોના જે પણ સુચન આપણને આજે મળશે, તેનાથી આપણે આગળ અને ભવિષ્યમાં કેવી રીતે સારી રીતે કરી શકાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. કમિશનર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, આ રીતે આગામી સમયમાં યોજાનાર હેરીટેજ વોકમાં વધુમાં વધુ શહેરીજનો જોડાય તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.


