નિખિલ નાગેશ ભટ્ટના હોલિવૂડ ડેબ્યૂથી સની દેઓલની ‘પરશુરામ’ અટકી, ફિલ્મ 2027 સુધી મુલતવી

‘કિલ’ના ડિરેક્ટર હવે જેમી ફોક્સની ‘ડેડલૉક્ડ’નું દિગ્દર્શન કરશે; નિર્માતાઓ નવા ડિરેક્ટર કે નિખિલની રાહ જોવાના વિકલ્પ પર વિચારણા કરશે

નિખિલ નાગેશ ભટ્ટના હોલિવૂડ ડેબ્યૂથી સની દેઓલની ‘પરશુરામ’ અટકી, ફિલ્મ 2027 સુધી મુલતવી

મુંબઈ, તા. 10
‘કિલ’ ફિલ્મથી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવનાર દિગ્દર્શક નિખિલ નાગેશ ભટ્ટ હવે હોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. ઓસ્કાર વિજેતા અભિનેતા જેમી ફોક્સની આગામી એક્શન થ્રિલર 'ડેડલૉક્ડ'નું દિગ્દર્શન નિખિલ કરશે. તેમના હોલિવૂડ પ્રોજેક્ટને કારણે સની દેઓલ અભિનીત હિન્દી ફિલ્મ 'પરશુરામ'ના શૂટિંગ પર અસર પડી છે અને ફિલ્મને હાલ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.
એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝના બેનર હેઠળ બની રહેલી ‘ડેડલૉક્ડ’નું વૈશ્વિક સ્ટ્રીમિંગ પ્રાઇમ વિડિયો પર કરવામાં આવશે. ફિલ્મની વાર્તા એક પૂર્વ મરીન અધિકારીની આસપાસ ફરે છે, જે જ્યુરી ડ્યુટી દરમિયાન કોર્ટરૂમમાં સર્જાયેલી બંધકની પરિસ્થિતિમાં ફરી એકવાર એક્શન લેવા માટે મજબૂર બને છે.
‘ડેડલૉક્ડ’ની પટકથા એરિક સ્કોટ એન્ડરસન અને મેટ તાકેજિરો બોસેકે લખી છે. ફિલ્મના નિર્માતાઓમાં બ્રાયન કાવાનોફ-જોન્સ, ફ્રેડ બર્ગર, ડેવ કેપલાન અને જેમી ફોક્સનો સમાવેશ થાય છે. નિખિલ માટે આ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની દિગ્દર્શક તરીકેની ક્ષમતા સાબિત કરવાની મોટી તક માનવામાં આવી રહી છે.
નિખિલ નાગેશ ભટ્ટને ફિલ્મ 'કિલ'થી વૈશ્વિક ઓળખ મળી હતી. લક્ષ્ય અને રાઘવ જુયાલ અભિનીત આ ફિલ્મનું પ્રીમિયર ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. ત્યારબાદ લાયન્સગેટે તેના વૈશ્વિક વિતરણ અધિકારો મેળવ્યા હતા. ફિલ્મને તેના જોરદાર એક્શન અને હિંસક દૃશ્યો માટે ખાસ ચર્ચા મળી હતી અને ભારતીય બોક્સ ઓફિસ પર પણ તેણે રૂ. 47 કરોડથી વધુની કમાણી કરી હતી.
હવે હોલિવૂડ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવાને કારણે નિખિલ સની દેઓલની 'પરશુરામ'નું દિગ્દર્શન હાલ કરી શકશે નહીં. અગાઉ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર 2026થી શરૂ થવાનું હતું, પરંતુ હવે તેને 2027 સુધી પાછળ ધકેલવામાં આવી છે.
ફિલ્મના નિર્માતા મધુ મન્ટેના અને માયથ્રી મુવી મેકર્સ હાલ બે વિકલ્પો પર વિચાર કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. એક તરફ તેઓ નિખિલ નાગેશ ભટ્ટને સમય મળે ત્યાં સુધી રાહ જોઈ શકે છે, જ્યારે બીજી તરફ ફિલ્મ માટે નવા દિગ્દર્શકની પસંદગી કરીને પ્રોજેક્ટને આગળ વધારવાનો વિકલ્પ પણ છે. આ દરમિયાન સની દેઓલની 'જાટ 2'ને ઝડપથી આગળ વધારવાની ચર્ચા પણ ચાલી રહી છે, જોકે તેના અંગે હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
સની દેઓલ આગામી સમયમાં ‘લાહોર 1947’, ‘ગબરુ’, નિતેશ તિવારીની ‘રામાયણ’માં ભગવાન હનુમાનની ભૂમિકા તેમજ ‘એન્ટોની’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. બીજી તરફ નિખિલ નાગેશ ભટ્ટ માટે ‘ડેડલૉક્ડ’ હોલિવૂડમાં પ્રવેશ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કારકિર્દીની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે.